ચીનમાં લગ્ન ન કરવા માગતા યુવાઓની સંખ્યામાં વધારો
નવી દિલ્હી, દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બનવા માટે પ્રયત્ન કરી રહેલુ ચીન એક અજીબો ગરીબ આંતરિક સંકટનો સામનો કરી રહ્યુ છે.
દુનિયાના સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં હવે લગ્ન નહીં કરવા માંગતા યુવાઓની સંખ્યા વધી રહી છે અને તેના કારણે ૧૭ વર્ષમાં સૌથી ઓછા લગ્નોનુ રજિસ્ટ્રેશન થયુ છે.
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ચીનમાં ૨૦૨૧ના પહેલા ત્રણ મહિનામાં ૫૮ લાખ યુગલોએ લગ્ન કર્યા હતા.વર્ષ દરમિયાન આ આંકડામાં હજી પણ ઘટાડો થાય તેવી શક્યતા વધારે છે.
લગ્નમાં થઈ રહેલા ઘટાડા અંગે ચીનના સ્ટેટેસ્ટિક નિષ્ણાત હે યાફુનુ કહેવુ છે કે, ચીનમાં ૮૦ના દાયકા બાદ સતત વસતીમાં ઘટાડો થઈ રહ્યો છે અને ઓછા લગ્નો પાછળ તે પણ એક કારણ છે.ઉલ્લેખનીય છે કે, ચીને ૨૦૧૬થી હવે બે બાળકોને પેદા કરવા માટે પણ મંજૂરી આપી છે.
હે યાફુનુ એમ પણ કહેવુ છે કે, કામના વધારે પડતા દબાણ તેમજ મહિલાઓના શિક્ષણ સ્તરમાં થઈ રહેલા સુધારા, આર્થિક સ્વતંત્રતા જેવા કારણો પણ ઓછા લગ્નો માટે જવાબદાર છે.અન્ય એક કારણ પુરુષ અને મહિલાઓની સંખ્યાનો તફાવત પણ છે.SSS