ચીનમાં વિશાળ ભૂવો પડ્યો, ૨૧ કાર અંદર સમાઈ ગઈ
૫.૫ મિલિયનની વસતી ધરાવતા યિબિનમાં ક્યુબાઈ એવન્યુ ખાતે આવેલા શોપિંગ મોલની બહાર મોટો ભૂવો
બેઇજિંગ, સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે અંદાજીત ૫૦૦ સ્ક્વેર મીટર (૫,૩૮૦ સ્ક્વેર ફૂટ) રોડ તૂટી પડ્યો હતો. આ ભૂવો કયા કારણથી પડ્યો તેની તપાસ ચાલી રહી છે. સ્થાનિક ટીવી સ્ટેશન એસસીટીવી દ્વારા આ ઘટનાના ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે જેમાં જોવા મળે છે કે અચાનક જ રોડ તૂટી પડતા ત્યાં પાર્ક કરેલી કારો સિંકહોલમાં જતી રહી હતી. ૫.૫ મિલિયનની વસ્તી ધરાવતા યિબિન શહેરમાં ક્યુબાઈ એવન્યુ ખાતે આવેલા શોપિંગ મોલની બહાર જ આ મોટો ભૂવો પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ બચાવ ટૂકડી પહોંચી ગઈ હતી પરંતુ આ ઘટનામાં કોઈ પણ જાનહાની નથી થઈ કે કોઈ વ્યક્તિને ઈજા પણ થઈ નથી. આ ભૂવો કેવી રીતે પડ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
જોકે, તે અગાઉ નિષ્ણાતોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાંની આસપાસના રહેવાસીઓ અને ટ્રાફિક માટે રસ્તો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાના ફૂટેજમાં જોવા મળે છે કે અચાનક જ મોટો ખાડો પડી ગયો હતો જેના કારણે ત્યાં પાર્ક કરેલી કારો તેમાં સમાઈ ગઈ હતી. સિચુઆન પ્રાંતમાં આ મહિને ભારે વરસાદ થયો હતો. પૂરનું પાણી યિબિન શહેરની નજીક આવેલા સુપ્રસિદ્ધ લેસહાન જાયન્ટ બુદ્ધના પગ નજીક પહોંચી ગયું હતું. ૭૦ વર્ષમાં પ્રથમ વખત પાણી આ વિશાળ મૂર્તિના પગ સુધી પહોંચ્યું હતું. ચીનમાં આ વર્ષે અતિ ભારે વરસાદ થયો છે જેના કારણે ૨૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે અથવા તો ગુમ થયા છે. સત્તાવાળાઓએ કહ્યું છે કે તેનાથી ચીનને ૨૫ બિલિયન ડોલરનું નુકસાન થયું છે.SSS