ચીનમાં હાજર ઉદ્યોગોને ભારત સ્થળાંતરિત કરવા જોઈએઃ યુએસ સાંસદ

વોશિંગ્ટન, ચીન પ્રત્યે અમેરિકાનું વલણ વધુ કડક બની રહ્યું છે. હવે યુએસના એક કોંગ્રેસે કહ્યું છે કે ચીનમાં હાજર ઉદ્યોગોને ભારત સ્થળાંતરિત કરવા જોઈએ. જેથી ચીન ઉપરાંત દુનિયામાં એક વિકલ્પ તૈયાર કરી શકાય. એક મીડિયા હાઉસ સાથેની એક વિશિષ્ટ વાતચીતમાં આ વાત અમેરિકન કોંગ્રેસના સભ્ય અને વિદેશ મંત્રાલયની ઉપસમિતિના સભ્ય ટેડ યોહોએ કહી હતી.
ટેડ યોહોએ કહ્યું કે અમેરિકાની પહેલી નીતિ પોતાના જેવી સમાન માનસિકતા ધરાવનારા દેશને સાથે રાખવાની છે. અમેરિકા એક યોજના બનાવી રહ્યું છે કે કેવી રીતે તેના ઉદ્યોગોને ચીનથી હટાવવામાં આવે અને તેમને ભારતમાં સ્થાપિત કરવામાં આવે. ઉપરાંત જે ઉદ્યોગો અમેરિકા પાછા ફરવા માંગે છે તેઓ પાછા આવી જાય.
ટેડે કહ્યું કે આનું તાજું ઉદાહરણ એ છે કે જ્યારે આખી દુનિયાને સૌથી વધુ પી.પી.ઇ.ની જરૂર હતી. ત્યારે ચીને તેના હાથ અધ્ધર કરી દીધા હતા. આને કારણે આખી દુનિયાનો સપ્લાય બંધ થઈ ગયો હતો. આ પછી અમે અમારા રાજદૂતો સાથે વાત કરી તેમને કહ્યું કે આ ઉદ્યોગને ચીનથી સ્થાનાંતરિત કરીને તેને ભારત લાવવામાં જોઈએ.
ટેડે કહ્યું કે અમે ભારત જેવા અન્ય ભાગીદાર દેશોમાં પણ અમારા ઉદ્યોગો સ્થાપિત કરવા માંગીએ છીએ. આનાથી ચીનનું વર્ચસ્વ ખતમ થઈ જશે અને આપણને ઘણા વિકલ્પો મળશે. ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ ચલાવ્યો છે. આવી સ્થિતિમાં જો ઉદ્યોગો ચીનમાંથી ભારત આવે છે તો તેમને મોટું રોકાણ મળશે.
કોંગ્રેસના સભ્ય ટેડે કહ્યું કે આ પગલાથી ચીન પર આર્થિક દબાણ આવશે. બેઇજિંગ પણ સપ્લાય ચેનથી અલગ થઈ જશે. પછી અમે અમારા ઉદ્યોગો ખાસ કરીને લાઈવસ્ટોક અને એપીઆઈ ભારત અને તેના જેવા દેશોમાં સ્થાનાંતરિત કરીશું. આનાથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને કમ્યુનિસ્ટ પાર્ટી પર આર્થિક દબાણ આવશે.
ટેડે કહ્યું કે વિશ્વને ચીન સાથેના સંબંધો તોડવા જોઈએ. કારણ કે ચીન જે બાબતો તેના લોકોના હિત માટે વાતો કરે છે તે ન તો તેના દેશમાં કે બીજા દેશો સાથે અમલમાં મુકે છે. હવે ચીન અમારુ સામાન્ય સ્ટાન્ડર્ડ બની શકે નહીં. હું એમ નથી કહેતો કે ચીન આપણા કે ભારત જેવું હોવું જોઈએ. પરંતુ ઓછામાં ઓછું આદર, માનવાધિકાર અને માનવતાની આદત તો પાડે.
ટેડે વધુમાં સમજાવ્યું હતું કે અમેરિકા નથી ઇચ્છતું કે માત્ર ચીનને જ વિશ્વનું કારખાનું કહેવામાં આવે. વિકસિત દેશોમાં તેનો સમાવેશ થવો જોઈએ. તેને વિકાસશીલ દેશોની સુવિધાઓ મળવી જોઈએ નહીં. ન તો તેમને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) તરફથી કોઈ મદદ મળી.
ટેડે કહ્યું કે ચીની સિદ્ધાંત એ છે કે આકાશમાં બે સૂર્ય ન હોઈ શકે. એકને હટાવવું પડશે. તેઓ પોતાને મહાસત્તાઓ તરીકે જોવા માંગે છે જેથી તેઓ બાકીના વિશ્વ પર રાજ કરી શકે. તેમનો હેતુ વિશ્વને આર્થિક અને લશ્કરી શક્તિની તાકાત પર પોતાની આંગળી પર રાખવાનો છે.
ટેડે સવાલ પૂછ્યો કે ચીન પાંચ યુદ્ધ જહાજો કેમ બનાવી રહ્યું છે. શા માટે તેણે પોતાનું સંરક્ષણ બજેટ ૬.૯ ટકા વધાર્યું? જ્યારે કે ચીન વિશ્વ વેપાર સંગઠનના વિકાસશીલ દેશોના ટેગ પાછળ છુપાઈને વિશ્વને બેવકૂફ બનાવ્યું છે. હવે અમારી પાસે એવો કાયદો છે કે અમે ત્યાંથી ચીનને દૂર કરી શકીએ.
ટેડે કહ્યું કે તે સાચું છે કે ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ તે વિકાસશીલ દેશોના ટેગની પાછળ છુપાવીને હજી પણ લાભ લઈ રહ્યું છે. હવે દુનિયાએ ચીનનું સમર્થન કરવાનું બંધ કરવું જોઈએ.અમેરિકા ચીન પર ખૂબ કડક પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યું છે. જેથી તેને તાઇવાન, હોંગકોંગ, દક્ષિણ ચાઇના સી અને વિશ્વ આરોગ્ય સંગઠનને ખોટો અહેવાલ આપવા બદલ સજા થઈ શકે. અમે ચીનની મોટી બેંકો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છીએ.