ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યા છે
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ બેઠકમાં પીએમ મોદીના સ્ટેન્ડના વખાણ કર્યા હતા.
હવે એકવાર ફરીથી ચીની અખબારે ભારતનો પક્ષ લીધો અને કહ્યું કે અમેરિકાએ ઉભરતી શક્તિઓ સાથે વર્તવાની રીત શીખવી જાેઈએ. વાત જાણે એમ છે કે અમેરિકા-ઈન્ડિયા ટુ પ્લસ ટુ બેઠક બાદ જાેઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ભારતમાં માનવાધિકારોની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી.
જેનો ભારતે જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. જેને લઈને ગ્લોબલ ટાઈમ્સે ભારતના વલણના વખાણ કરતા અમેરિકાને ફટકાર લગાવી છે. ચીની અખબારે ટ્વીટ કરીને કહ્યું કે આઝાદ ભારતને માનવાધિકારો પર ભાષણ આપવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી.
અમેરિકા ભારતને પોતાનો ગ્રાહક દેશ સમજવાનું બંધ કરે. અમેરિકા પોતાની મહાન નૈતિકતાઓ પોતાની પાસે રાખે અને ઉભરતી શક્તિઓ જાેડે બરાબર વર્તવાનું શીખે. આ અગાઉ પણ ગ્લોબલ ટાઈમ્સે રશિયા-યુક્રેન મુદ્દે ભારતના તટસ્થ વલણના વખાણ કર્યા હતા.
અખબારમાં છપાયેલા લેખમાં ચીની તજજ્ઞોએ કહ્યું હતું કે ભારતે જે સ્ટેન્ડ લીધુ તે તેના માટે ફાયદાકારક છે. અત્રે જણાવવાનું કે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે ભારત અને અમેરિકા માનવાધિકારના લોકતાંત્રિક મુદ્દાઓ પર પ્રતિબદ્ધતા શેર કરે છે.
અમારી ભારતમાં માનવાધિકાર ભંગની કેટલીક ઘટનાઓ પર બાજ નજર છે. ભારતની કેટલીક સરકારો, પોલીસ અને જેલ અધિકારીઓ તરફથી માનવાધિકારોના ભંગના કેસમાં વધારો થયો છે.
અમરિકાની આ ટિપ્પણીનો ભારતે પણ મજબૂત જવાબ આપ્યો હતો. તે સમયે તો ભારતે કઈ ન કહ્યું પરંતુ ત્યારબાદ વિદેશમંત્રી એસ જયશંકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત પણ અમેરિકામાં માનવાધિકાર ભંગના કેસ પર નજર રાખી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે માનવાધિકાર મુદ્દે વાત થઈ નથી અને જાે આગળ એમ થશે તો ભારત આ અંગે વાત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.SSS