ચીન અને ભારતની મૂઠભેડમાં શહીદ ઃ અમને અમારા દીકરા પર ગર્વ છે : પરિવાર

હૈદરાબાદ: ચીન અને ભારતની મૂઠભેડમાં શહીદ થનાર કર્નલ સંતોષના પરિવાર કહે છે અમને અમારા દીકરા પર ગર્વ છે. શહીદ કર્નલ સંતોષ બાબુના પિતા બી. ઉપેન્દ્ર છે. જે જુવાનજોધ દીકરાની શહીદીથી તૂટી જરુર ગયા છે પણ હાર્યા નથી. તેઓ કહે છે કે ‘દેશ માટે મરવું તો ખૂબ મોટા સમ્માનની વાત છે. મને મારા દીકરા પર આજે ખૂબ જ ગર્વ છે.’ કર્નલ સંતોષના પત્ની સંતોષીને સૌથી પહેલા તેમના શહીદ થયાની જાણ કરવામાં આવી. તેમના પાર્થિવ દેહને આજે શમ્સાબાદ એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સૂર્યપેટ સુધી રોડ માર્ગે લઈ જવામાં આવશે.
કર્નલના પિતા અને માતા મંજુલા તેલંગણાના સૂર્યપેટમાં રહે છે. તેમની પત્ની સંતોષી ૮ વર્ષની છોકરી અને ૩ વર્ષના દીકરા સાથે દિલ્હીમાં રહે છે. કર્નલના પિતાએ કહ્યું કે, ‘સેનાની ૧૫ વર્ષની ફરજમાં મારા દીકરાને ૪ પ્રમોશન મળ્યા હતા. પિતા તરીકે હું ઇચ્છતો હતો કે તે ખૂબ જ ઉચ્ચ પદે પહોંચે. પરંતુ સાથે એ પણ જાણતો હતો કે સેનામાં જીવન અનિશ્ચિતતા વચ્ચે હોય છે. મારા દીકારએ શહીદી વહોરીને અમારૂં જ નહીં અમારા આખા પરિવારનું માથુ શાનથી ઉંચું કરી દીધું
એસબીઆઇ બેંકના મેનેજર પદેથી રિટાયર્ડ શહીદ કર્નલ સંતોષના પિતાએ કહ્યું કે, તેમના કર્નલ દીકરાએ ૧૫ વર્ષ સેનામાં ફરજ બજાવતા કુપવાડામાં આતંકીઓનો સામનો પણ કર્યો હતો અને આર્મી પ્રમુખ પણ તેમને વખાણ કરી ચૂક્યા છે. તેમણે જ પોતાના દીકરાને સેના જોઇન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને ખબર પણ હતી કે આમાં જીવનું જોખમ પણ રહેલું છે. તેમણે કહ્યું કે, ‘મને ખબર હતી કે એક દિવસ આવો આવી પણ શકે છે કે જ્યારે મારે આ સમાચાર સાંભળવા પડે અને એટલે જ હું માનસિકરુપે તેના માટે તૈયાર પણ હતો. મરવાનું તો દરેકને છે જ પરંતુ દેશ માટે મરવું તેનાથી મોટું સૌભાગ્ય કોઈ નથી. આજે મને મારા દીકરાની શહીદીનું લેશમાત્ર પણ દુઃખ નથી મારી છાતી તો ગર્વથી ફુલાઈ રહી છે.’
કર્નલ સંતોષે આંધ્ર પ્રદેશના કોરુકોંડામાં સૈનિક સ્કૂલ જોઇન કરી હતી અને તે બાદ પોતાનું જીવન સેનાના નામે કરી દીધું હતું. તેમણે છેલ્લે શહીદીના એક દિવસ પહેલા ૧૪ જૂને પોતાના ઘરે વાત કરી હતી. આ વાત દરમિયાન જ્યારે તેમના પિતાએ સરહદ પર તણાવ અંગે તેમને પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તમારે મને આ વાત ન પૂછવી જોઈએ. હું તમને કંઈ જ જણાવી શકું નહીં. આપણે વાત કરીશું જ્યારે હું ઘરે પાછો આવીશ.’ આ તેમની પરિવાર સાથે છેલ્લી વાતચીત હતી. જે સનસની સમાચાર આવે છે અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે ઘણો ફરક હોવાનું તેમણે પોતાના માતા-પિતાને કહ્યું હતું. ૬૨ વર્ષના ઉપેન્દ્રે કહ્યું કે, ‘હા અમને એટલી ખબર હતી કે આ કદાચ તેનો છેલ્લો કોલ હોઈ શકે છે.’ બીજા દિવસે જ કર્નલે દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપી દીધું હતું.
કર્નલ સંતોષના પિતાએ જણાવ્યું કે, ‘હું સેના જોઈન કરવા માગતો હતો પરંતુ તે થઈ શક્યું નહીં. જેથી મારો દીકરો જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે જ મે તેને સેનામાં જોઇન થવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. યુનિફોર્મ પહેરીને દેશમાટે સર્વશ્વ ન્યોછાવર કરવાનું સપનું મે જ તેને દેખાડ્યું હતું.’ સૈનિક સ્કૂલમાં અભ્યાસ બાદ કર્નલ સંતોષ એનડીએમાં દાખલ થયા અને પછી આઇએમએમાંથી પાસ આઉટ થયા.