ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી તંબૂ-બંકર ઉખાડ્યા
નવી દિલ્હી: પૂર્વ લદાખના પેન્ગોગ સો લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી ભારત અને ચીનની સેનાઓની વાપસી પ્રક્રિયા યોજના મુજબ ચાલી રહી છે અને આગામી ૬થી ૭ દિવસમાં વાપસીની પ્રક્રિયા પૂરી થવાની આશા છે. આ જાણકારી રક્ષા સૂત્રોએ આપી છે.
સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ અનેક બંકર, અસ્થાયી ચોકીઓ અને અન્ય માળખાને ઉત્તર કિનારા વિસ્તારમાંથી હટાવી દીધા છે અને ક્ષેત્રમાં પોતાના સૈનિકોની સંખ્યા ધીમે-ધીમે ઓછી કરી રહી છે.
તેઓએ જણાવ્યું કે બંને પક્ષોના ફિલ્ડ કમાન્ડર લગભગ રોજ બેઠક કરે છે જેથી વાપસીની પ્રક્રિયાને આગળ વધારી શકાય, જેને નવ ચરણની ઉચ્ચ સ્તરીય સૈન્ય મંત્રણા બાદ ગત સપ્તાહે અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાઓથી વાપસીની પ્રક્રિયાને પૂરી થવામાં લગભગ એક સપ્તાહનો સમય લાગશે અને બંને પક્ષ સૈનિકો અને ઉપકરણોની વાપસી પ્રક્રિયાનું સત્યાપન કરી રહ્યા છે.
નવ મહિનાના ગતિરોધ બાદ બંને દેશની સેનાઓ પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાથી વાપસી પર સહમત થયા જે મુજબ બંને પક્ષોને ચરણબદ્ધ, સમન્વિત અને સત્યાપિત રીતે સેનાઓને અગ્રિમ મોરચાથી હટાવવાની છે. વાપસીની પ્રક્રિયા ગત બુધવારથી શરૂ થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહએ ગત ગુરુવારે સંસદમાં વાપસી સમજૂતી પર વિસ્તૃત નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે એલાન કર્યું કે ભારત-ચીનની વચ્ચે પેન્ગોગ લેકની પાસે વિવાદ પર સમજૂતી થઈ ગઈ છે અને બંને દેશની સેનાઓ પોતાના સૈનિકોને પાછળ હટાવશે. રક્ષા મંત્રીએ એલાન કર્યું હતું કે ભારત અને ચીન બંનેએ નક્કી કર્યું છે કે એપ્રિલ ૨૦૨૦ પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે,
જે નિર્માણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે તેને હટાવી દેવામાં આવશે. જે જવાનોએ પોતાના જીવ આ દરમિયાન ગુમાવ્યા છે તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર ગૃહ દેશની સંપ્રભુતાના મુદ્દે એક સાથે ઊભું છે. રાજ્યસભામાં નિવેદન આપતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે એલએસીમાં કોઈ ફેરફાર ન થાય અને બંને દેશોની સેનાઓ પોતપોતાના સ્થળે પહોંચી જાય. આપણે એક ઇંચ જમીન પણ કોઈને નહીં લેવા દઈએ.
રક્ષા મંત્રીએ કહ્યું કે પેન્ગોગ લેકના ઉત્તર અને દક્ષિણ કિનારાને લઈ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે અને સેનાઓ પાછળ હટશે. ચીન પેન્ગોગ ફિંગર ૮ બાદ જ પોતાની સેનાઓ તૈનાત કરશે. ૧૦ મહિનાથી ચાલી રહેલા ઘર્ષણને લઈ રાજ્યસભામાં રાજનાથ સિંહે કહ્યું કે અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ કાયમ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે હંમેશા દ્વીપક્ષીય સંબંધોને મજબૂત રાખવા પર ભાર મૂક્યો છે. તેઓએ કહ્યું કે ભારતે ચીનને હંમેશા એવું કહ્યું છે કે બંને દેશોના પ્રયાસોથી જ દ્વીપક્ષીય સંબંધો સુધરી શકે છે.