ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના વિરોધમાં બલુચિસ્તાનમાં ભારે દેખાવો

નવીદિલ્હી, ચીન–પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર વિરુદ્ધ પાકિસ્તાનના લોકોમાં રોષ સતત વધી રહ્યો છે. જેના કારણે અહીં ચીની નાગરિકોને નિશાન બનાવી કરાતા આત્મઘાતી હુમલાઓ વધ્યા છે. હાલમાં જ બલૂચિસ્તાનમાં ચીની નાગરિકોને ટાર્ગેટ કરતા એક હુમલો કરાયો હતો. અબજાે ડૉલરના પ્રોજેક્ટ મુદ્દે સ્થાનિક લોકોમાં રોષ વધી ગયો છે. વિરોધ પ્રદર્શન અને આત્મઘાતી હુમલાનો કારણે ચીન-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે.
લોકોએ આ સપ્તાહે રોડ જામ કરી દીધો, ટાયર સળગાવ્યા અને વિજળી-પાણીની અછત મુદ્દે સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. ગ્વાદર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ સાથે ચીન ગ્વાદર પોર્ટના વિકાસ કાર્યમાં જાેડાયેલું છે. એક સ્થાનિક કાર્યકર્તા ફૈઝ નિગોરીએ કહ્યું કે,‘અમે એક મહિનાથી વધુ સમયથી ચીની ટ્રૉલરો, પાણી-વિજળીની અછત મુદ્દે વિરોધ તથા રેલીઓ કરી રહ્યાં છીએ. પરંતુ સરકાર અમારું સાંભળતી નથી. તંત્ર દ્વારા અમારી પર હુમલા કરવામા આવ્યા. જેમાં ૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.’
બલુચિસ્તાનમાં લોકો ફરી એક વાર પાકિસ્તાન વિરોધી દેખાવો કરી રહ્યા છે. બલુચિસ્તાનના ગ્વાદર વિસ્તારમાં લોકોએ ઈમરાન સરકાર પર ક્ષેત્ર અને ક્ષેત્રના લોકોની સાથે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનને લઈને બલુચિસ્તાનના લોકોનું કહેવું છે કે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(સીપીઈસી)ના કારણે ગ્વાદરના લોકોની નોકરી છીનવાઈ રહી છે. દેખાવકારોનું કહેવું છે કે, અમે ફસાઈ ગયા છીએ. બલુચિસ્તાનની પાસે ફક્ત બે વિકલ્પ પસંદ કરવાના રહ્યા છે. એક દરિયામાં ડૂબી જઈ અથવા શૈતાનના ખોળામાં જઈને બેસી જઈએ. સીપીઈસી એક ઐતિહાસિક સમસ્યા છે.
આ વિરોધ પ્રદર્શનને લીડ કરી રહેલાં માછીમારોનું કહેવું છે કે સીપીઈસી આવવાની સાથે અમે સારા ભવિષ્યનો ભરોસો આપ્યો હતો પરંતુ પછીથી બધું હવામાં ગાયબ થઈ ગયું છે. તેનાથી વિપરિત સમસ્યા એટલી વધી ગઈ છે કે હવે પેટ ભરવામાં મુશ્કેલી આવી રહી છે. ૨૦૦૩માં સીપીઈસીની સ્થાપના પહેલાં અમે માછીમારો લાખો રુપિયા કમાતા હતા પરંતુ સરકારે અમને ઝાટકો આપ્યો છે. પાકિસ્તાન સરકાર ચીનને આપેલાં ગ્વાદર પોર્ટની આસપાસના વિસ્તારને નિયંત્રણ મૂકી રહી છે. અમને માછલી પકડવાના વિસ્તારથી હટાવવામાં આવી રહ્યા છે. એક પ્રદર્શનકારીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને કહ્યું કે, તમને જાે ગ્વાદરના લોકોથી એટલી નફરત છે તો અમને હિટલરની જેમ એક જગ્યાએ એકત્ર કરીને ઝેરીલી ગેસ આપીને મારી નાખો.