ચીન બાદ જર્મની પર તોળાઈ રહ્યુ છે વીજ સંકટ

નવી દિલ્હી, ચીન બાદ હવે જર્મનીમાં પણ વીજળી સંકટ સર્જાયુ છે. જોકે બંને દેશોમાં આ પ્રકારની સમસ્યા ઉભી થવાના કારણો અલગ અલગ છે.
જર્મની અને યુરોપના બીજા દેશોમાં પણ બ્લેક આઉટનો ખરતો વધી ગયો છે. જર્મનીમાં તો સરકારે લોકોને પોતાના ઘરોમાં વગર વીજળીએ ભોજન બનાવવાની આદત પાડવા માટે તૈયાર રહેવા કહ્યુ છે. આ આદત પાડવા માટેના કાર્યક્રમો પણ યોજાવાના છે. આવો પહેલો કાર્યક્રમ બોન શહેરમાં યોજાશે. જેમાં લોકોને શીખવાડવામાં આવશે કે, જો વીજળી લાંબા સમય સુધી જતી રહે તો તેની સાથે કેવી રીતે કામ પાર પાડવાનુ છે.
સાથે સાથે લોકોને મીણબત્તીથી ખાવાનુ કેવી રીતે ગરમ કરવુ તેનો પણ નિર્દેશ આપવામાં આવશે. કુકિંગ વિધાઉટ ઈલેક્ટ્રિસિટી નામની એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવનાર છે. સરકાર જે રીતે તૈયારી કરી રહી છે તે જોતા લાગી રહ્યુ છે કે, આગામી દિવસોમાં જર્મનીમાં બ્લેકઆઉટ સર્જાશે.
જોકે માત્ર જર્મની નહીં આ સમસ્યા યુરોપને પણ સહન કરી પડી શકે છે. જર્મની ઈલે્કટ્રિસિટી માટે નેચરલ ગેસ પર વધારે આધાર રાખે છે અને શિયાળા તેમજ વસંત ઋતુ બાદ ગેસનો સપ્લાય ઓછો થઈ ગયો છે.
વૈશ્વિસ સ્તરે પણ એશિયામાં ગેસની વધી રહેલી માંગના પગલે ગેસના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે. જર્મનીમાં આ વખતે પવન પણ જોઈએ તેવો ફૂંકાઈ રહ્યો નથી. તેના કારણે હવાથી પેદા થતી વીજળીનો સપ્લાય પણ ઓછો છે. જેના કારણે હવે નાછુટકે જર્મનીને કોલસાનો ઉપયોગ કરવો પડી શકે છે.