ચીન સામે ભારતે સેના સજ્જ કરી
ગામડાઓ ખાલી કરાવાયાઃ ઈન્ટરનેટ, મોબાઈલ ફોન સેવા બંધ, શ્રીનગર- લેહ હાઈવે બંધઃ સેનાને છૂટોદોર
નવી દિલ્હી: ચીન સરહદે સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. બંને દેશોના સૈન્યો શસ્ત્ર- સરંજામ સાથે આમને સામને છે ચીનના કોઈપણ પગલાને ભરી પીવા ભારતે ત્રણેય સેનાને “હાઈ એલર્ટ કરી દીધી છે. વાયુદળના તમામ ‘એરબેઝ’ને કોઈપણ સ્થિતિ પહોંચી વળવા આદેશ છૂટી ગયા છે ચીનના કાયરતાપૂર્ણ કૃત્ય સામે દેશમાં આક્રોશ છે વડાપ્રધાને ચીનને ચેતવણી આપી દીધા પછી ભારતે ચીન સાથેના ગામડાઓને ખાલી કરાવવાની શરૂઆત કરી દીધી છે.
ચીન સાથેની સરહદે આવેલા તમામ ગામડાઓને તકેદારીના ભાગરૂપે સેનાએ ખાલી કરાવી દીધા છે. બાકીના જે ગામડાઓ ખાલી નથી થયા તેને પણ ગણતરીના સમયમાં ખાલી કરાવી દેવાશે. જયારે સરહદી વિસ્તારોમાં ઈન્ટરનેટ, મોબાઈલ તથા લેન્ડલાઈન ટેલિફોનિક સેવાને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે ભારતે ચીનની ઉત્તરાખંડ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ સરહદે સૈન્યની વધુ ટુકડીઓ મોકલી દીધી છે
લદ્દાખ સરહદે ભારતે પહેલેથી જ વાયુદળના વિમાનોની બે સ્કવોડ્રન તૈનાત કરેલી છે તેમને પણ કોઈપણ સંજાગોને પહોંચી વળવા જણાવી દેવાયુ છે. ચીની સેના ગમે ત્યારે કોઈપણ હરકત કરી શકે છે તેને લક્ષમાં લેતા ભારતીય વાયુદળના વિમાનો સરહદમાં સતત ઉડાન ભરી રહયા છે ચીન સાથેની ફોરવર્ડ પોસ્ટ પર જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે. ચીનના કોઈપણ પગલા સામે કાર્યવાહી કરવાની છૂટ મળી ગઈ છે.
વળી ફોરવર્ડ પોસ્ટના અધિકારીને ઘર્ષણના સંજાગોમાં નિર્ણય લેવા સત્તા સુપ્રત કરાઈ છે. કારણ કે યુધ્ધ જેવા માહોલમાં ફોરવર્ડ પોસ્ટના અધિકારીઓને સમય હોતો નથી તેથી તેઓ સંજાગોને અનુરૂપ નિર્ણય લેતા હોય છે ભારતીય સેનાએ ચીનની તમામ સરહદે આઈ.ટી.બી.ના જવાનોની સંખ્યા વધારી દીધી છે તેવી જ રીતે સૈન્યની રીઝર્વ ટુકડીઓને ફોરવર્ડ પોસ્ટ સુધી પહોંચવા તૈયાર રહેવા જણાવી દીધુ છે જયારે દેશના તમામ એરબેઝ પર વાયુદળને હાઈએલર્ટ કરી દીધુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના સંબોધનમાં ચીનને ચેતવણી આપતા જણાવી દીધુ હતુ કે ભારત તેની સંપ્રભુતાના મામલે કોઈ પણ જાતના પગલા લેતા અચકાશે નહી. ભારતીય સેનાના જવાનોના બલિદાન એળે નહી જાય તેમ કડક શબ્દોમાં જણાવ્યું હતું. ચીન એક તરફ કમાન્ડર્સ કક્ષાની બેઠક કરે છે પણ તેની સાથે દગાબાજી કરીને ભારતીય જવાનો પર હુમલા કરે છે.
ગલવાન ઘાટીમાં મીટીંગના બહાને ભારતીય જવાનોને બોલાવીને અચાનક હુમલો કરી દીધો હતો. ચીનની નજર ગલવાનઘાટીના ક્ષેત્ર પર છે તે તેના પર કબજા કરીને પોતાનો વિસ્તાર જાહેર કરવાની ફિરાકમાં છે અને તેથી તેણે આ વિસ્તારમાં પીપલ્સ લીબરેશન આર્મી (પી.એલ.એ)ના જવાનોને ઉતાર્યા હતા ટેન્કો ગોઠવી દીધી છે અને વાયુદળના વિમાનો ભારતીય સરહદ નજીક ગોઠવી દીધા છે.
ચીનની આ હરકતથી કેન્દ્ર સરકાર ચોંકી ઉઠી છે ચીનને જવાબ આપવા ભારતે તૈયારી કરી લીધી છે ભારતે તકેદારીના ભાગરૂપે ચીન સરહદ સાથેના તમામ ગામડાઓ ખાલી કરાવવાની શરૂઆત કરી દીધી છે તેવી જ રીતે ઈન્ટરનેટ, મોબાઈલ સહિતની ટેલિફોનિક સેવાઓ બંધ કરી દીધી છે. શ્રીનગર- લેહનો રાજમાર્ગ સામાન્ય વાહનો- લોકોની અવરજવર માટે બંધ કરાવી દીધો છે.
ચીનના કોઈપણ પડકારને પહોંચી વળવા સેનાને આદેશ કરી દેવાયો છે તેના માટે લશ્કરને છુટો દોર આપી દેવાયો છે. તો ચીન સાથેની અત્યંત તણાવપૂર્ણ સ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લેતા સેનાના તમામ જવાનોની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે અને ચીન સાથેની તમામ સરહદ પર જવાનોની કુમુક મોકલવામાં આવી રહી છે ચીને સૈનિકોની સંખ્યા વધારતા ભારતે પણ તેની રીઝર્વ ટુકડીઓને ગોઠવી દેવાની શરૂઆત કરી દીધી છે.