ચીફ જસ્ટિસ બોબડેના માતા સાથે ૨.૫ કરોડની છેતરપિંડી
નાગપુર, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ બોબડેના માતા મુક્તા બોબડે સાથે તેમના બિઝનેસ મેનેજરે અઢી કરોડ રુપિયાથી પણ વધુની માતબર રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નાગપુર શહેર પોલીસ કમિશનર અમિતેશ કુમારે આ સમાચારની પુષ્ટિ કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ઈકોનોમિક ઓફેન્સ વિંગને સોંપી દેવામાં આવી છે, જેની આગેવાની ડીસીપી વિનિતા સાહુ કરી રહ્યાં છે.
બોબડે પરિવાર નાગપુરના પોશ એવા સિવિલ લાઈન્સ વિસ્તારમાં આકાશવાણી સ્કવેર ખાતે સીઝન્સ લૉન ધરાવે છે. જેને લગ્ન, રિસેપ્શન જેવા પ્રસંગો માટે ભાડે આપવામાં આવે છે. મુક્તા બોબડેએ ૧૩ વર્ષ અગાઉ આ કામકાજની દેખરેખ રાખવા માટે તપસ ઘોષ નામના એક વ્યક્તિને નોકરીએ રાખ્યો હતો. તપસને ૯ હજાર પગાર ઉપરાંત દરેક બુકિંગ પર અઢી હજાર રુપિયા ઈન્સેન્ટિવ મળતું હતું. જાેકે, મુક્તા બોબડેની વયનો લાભ લઈને તપસ અને તેની પત્નીએ હિસાબમાં ગોટાળા કરવાનું ચાલુ કર્યું હતું, અને તેઓ ભાડા તરીકે મળેલી તમામ રકમ જમા નહોતા કરાવતા. લોકડાઉન દરમિયાન ઘણા ક્લાયન્ટ્સે પોતાના પ્રસંગ રદ્દ થયા હોવાથી બુકિંગ કેન્સલ કરાવીને ડિપોઝિટ પાછી માગી હતી. જાેકે, તપસ ઘોષ તેને પરત ના કરી શકતા આખોય મામલો મુક્તા બોબડે સુધી પહોંચ્યો હતો. મુક્તા બોબડેએ આ અંગે તપાસ કરાવતા બહાર આવ્યું હતું કે ઘોષે છેલ્લા અઢી વર્ષથી ભાડા પેટે જેટલી પણ આવક થઈ છે તેમાં ગોટાળા કર્યા છે, અને પૂરેપૂરી રકમ જમા નથી કરાવી. આ રકમનો આંકડો અઢી કરોડ રુપિયાથી પણ વધારે થાય છે તેમ પોલીસનું માનવું છે.
પોલીસે અત્યારસુધી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ઘણા કિસ્સામાં તો ઘોષ ક્લાયન્ટ્સને રિસિપ્ટ પણ નહોતો આપતો, અને તેણે રિસિપ્ટ બુકમાં પણ ગોટાળા કર્યા છે. આટલું જ નહીં, લૉનમાં સોલાર પ્લાન્ટ લગાવવાના કામમાં પણ ઘોષે લાખો રુપિયાની હેરાફેરી કરી છે. આ કામ માટે ઘોષે મુક્તા બોબડે પાસેથી રુપિયા તો લીધા હતા, પરંતુ જે વ્યક્તિએ કામ કરી આપ્યું તેને ચૂકવ્યા નહોતા. આ સિવાય લૉનમાં ફેબ્રિકેશનનું પણ કેટલુંક કામ કરાવાયું હતું, જેના હજારો રુપિયા તેણે બોબડે પાસેથી લઈ પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા.HS