ચૂંટણીના પરિણામો બાદ પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયુ
નવીદિલ્હી : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોંધાયો છે. આ અગાઉ ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સવારે પેટ્રોલના ભાવમાં ૧૧ પૈસા અને ડીઝલના ભાવમાં ૬ પૈસાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે સવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૧ પૈસા ઘટીને ૭૩.૦૬ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જ્યારે ડીઝલનો ભાવ પણ ૬ પૈસા ઘટીને ૬૬ રૂપિયા પ્રતિ લીટર સ્તરે પહોંચ્યો.
શુક્રવાર સવારે કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ક્રમશ ૭૫.૭૧ રૂપિયા, ૭૮.૬૮ રૂપિયા અને ૭૫.૮૮ પહોંચ્યો હતો. જ્યારે ડીઝલનો ભાવ ક્રમશઃ ૬૮.૩૬ રૂપિયા, ૬૯.૧૭ રૂપિયા અને ૬૯.૭૨ રૂપિયા જોવા મળ્યો. જાણકારોનું કહેવું છે કે ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતાનો માહોલ આગળ પણ ચાલતો રહેશે. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લગભગ ૧.૫૦ રૂપિયાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૧.૨૫ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે.
સાઉદી અરબની અરામકો પર થયેલા હુમલા બાદ થોડા જ દિવસોમાં પેટ્રોલના ભાવમાં લગભગ અઢી રૂપિયા પ્રતિ લીટરનો વધારો તાબડતોડ નોંધાયો હતો. જ્યારે ડીઝલ પણ મોંઘુ થયું હતું.