Western Times News

Gujarati News

ચૂંટણીને પગલે ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની ભરતીના ઈન્ટરવ્યૂ મુલતવી

ઈન્ટરવ્યૂની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે

આચાર્યની ૯૦૦ જગ્યા માટે ૧૧૨૯ ઉમેદવારોનો ફાઈનલ મેરિટમાં સમાવેશ થયો હતો

અમદાવાદ,
રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ૯૦૦ જગ્યા માટે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ ૩ જાન્યુઆરીથી ઈન્ટરવ્યૂ શરૂ કરવામાં આવ્યા હતા, અને ૧૩ ફેબ્રુઆરીના રોજ ઈન્ટરવ્યૂ પૂર્ણ થવાના હતા. જોકે, આ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતાના પગલે આચાર્ય ભરતી માટેના ઈન્ટરવ્યૂ મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે. આચાર્ય ભરતી માટેના ઈન્ટરવ્યૂની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી માટે ફાઈનલ મેરિટમાં કુલ ૧૧૨૯ ઉમેદવારોનો સમાવેશ કરાયો હતો.

મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ૭ ડિસેમ્બર સુધી શાળા પસંદગી કરવાની તક અપાઈ હતી. જેમાં એક ઉમેદવારને મહત્તમ ૭ સ્કૂલોની પસંદગી કરવા માટે જણાવાયું હતું. શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ૩ જાન્યુઆરીથી તમામ જિલ્લાઓમાં ભરતી માટેના ઈન્ટરવ્યૂ શરૂ કરવામાં આવ્યા હતા. ૩ જાન્યુઆરી શરૂ થયેલા ઈન્ટરવ્યૂ ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલનાર હતા. જોકે, આ દરમિયાન રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર થતાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયાને લઈને મુંઝવણ ઊભી થઈ હતી. શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું હતું.

જેમાં ઈન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલુ ન રાખવા અંગેનો અભિપ્રાય મળ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટેના ઈન્ટરવ્યૂની પ્રક્રિયા મોકૂફ રાખવા સત્તાવાર પરિપત્ર કર્યાે છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.ઉપરાંત ઈન્ટરવ્યૂની નવી તારીખો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેમ પણ ઉમેર્યું હતું. જેથી હવે ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા બાદ ભરતી માટેના ઈન્ટરવ્યૂની તારીખ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ છે. નવી તારીખો જાહેર કરાયા બાદ ઉમેદવારોને હાજર થવા માટેની સમયમર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. અગાઉના પરિપત્ર મુજબ ઉમેદવારોને ૧૪ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન હાજર થવા સૂચના અપાઈ હતી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.