ચૂંટણી પંચ ભાજપની જ એક શાખા છે, કોઈ આશા રાખવી નકામી: સંજય રાઉત
મુંબઇ, બિહાર ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહયા છે. પહેલા તબક્કાનુ મતદાન પુરુ થઈ ગયુ છે ત્યારે સંજય રાઉતે લાલુ પુત્ર અને આરજેડીના નેતા તેજસ્વી યાદવના ભરપૂર વખાણ કર્યા છે.
તેમણે કહ્યુ છે કે, તેજસ્વી આવતીકાલે બિહારના મુખ્યમંત્રી હશે તો તે નવાઈની વાત નહી હોય. કોઈ સહારા વગર તેજસ્વી યાદવ આજે તમામ રાજકીય પક્ષો માટે પડકારરુપ બની ગયા છે. સીબીઆઈ અને ઈનકમટેક્સ વિભાગ તેમની પાછળ પડ્યા છે, તેમના પિતા જેલમાં છે અને તે છતા તે ચૂંટણી જંગમાં છે.
દરમિયાન બિહાર ચૂંટણીને લઈને શિવસેનાના પ્રવક્ત સંજય રાઉતે મોટુ નિવેદન આપતા ચૂંટણી પંચને ભાજપની જ એક બ્રાન્ચ ગણાવ્યુ છે. રાઉતે કહ્યું હતું કે, ભાજપે બિહારના મતદારોને ચૂંટણીમાં જીત મળી તો કોરોના વેક્સિન ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે. જોકે ચૂંટણી પંચે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણ્યું નથી. ચૂંટણી પંચ જોકે ભાજપની જ એક શાખા છે ત્યારે ચૂંટણી પંચ પાસે કોઈ આશા રાખવી નકામી છે.