ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું
લોકશાહી મજબૂત બનાવવા દરેક અધિકારી-કર્મચારી પણ મતાધિકારનો ઉપયોગ કરે તે આવશ્યક છે -ખ્યાતિ પટેલ, ચૂંટણી અધિકારી
વડોદરા, વડોદરા શહેરના બગીખાના ખાતેની બરોડા હાઇસ્કુલમાં મહાનગરપાલિકાની ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓએ શિસ્તબદ્ધ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. આ માટે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલની માર્ગદર્શન હેઠળ સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વોર્ડ નં-૧૫ના મતદાર અને વોર્ડ નં.૧૬ થી ૧૯ના ચૂંટણી અધિકારી ખ્યાતિ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જણાવ્યું કે, લોકશાહીમાં દરેક મત કિંમતી છે, ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવતા અધિકારી-કર્મચારી પોતાના મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે અને સરળતાથી મતદાન કરી શકે તે માટેની તમાત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આમ, સામાન્ય નાગરિકની સાથે ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓ મતદાન કરે તે આવશ્યક છે. આમ, અધિકારી-કર્મચારીઓ પણ મતાધિકારીનો ઉપયોગ કરીને લોકશાહીને સુદ્રઢ કરવામાં પોતાનુ યોગદાન આપે છે.
વોર્ડ નં.૧ થી ૩ ના ચૂંટણી અધિકારી અને ખાસ જમીન સંપાદન અધિકારી નિયતિ ઉત્સવે જણાવ્યું કે, કોઈ પણ અધિકારી-કર્મચારી પોતાના મતાધિકારાના ઉપયોગથી વંચિત ન રહે તે માટે મતદાન ફેસીલીટી સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેથી ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીઓને મતદાન કરવા માટે સારી સુવિધા મળવાની સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યાનો સંતોષ પણ અનુભવે છે.
ઉપરાંત જે અધિકારી-કર્મચારી અહિંયા આવીને બેલેટ પેપરથી મતદાન નથી કરી શક્યા, તેમને તેમના રહેઠાણના સરનામા ઉપર બેલેટ પેપર મોકલી આપવામાં આવશે. આ બેલેટ પેપર તેમણે મતગણતરીના નિયત સમય પહેલાં મળી જાય તે રીતે પરત મોકલી આપવાનું રહે છે. જેથી મતગણતરીના સમયે તેમનુ મતપત્ર ગણનામાં લઈ શકાય. તેમ તેમણે ઉમેર્યું હતું.