ચેઈન સ્નેચિંગના કડક કાયદાથી હવે ગુજરાતની બહેન-દિકરીના ગળામાં હાથ નાંખનારા અસામાજિક તત્વોની ખેર નથી: ગૃહરાજ્યમંત્રી
નારીશક્તિના સન્માન અને સુરક્ષા માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓને સખ્ત બનાવ્યા: પ્રદિપસિંહ જાડેજા
ગૃહરાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બારડોલી ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ
સૂરતઃ રવિવાર: ‘વધતાં જતાં ચેઈન સ્નેચિંગના ગુનાઓને ડામવા રાજ્ય સરકારે બનાવેલા કડક કાયદાથી હવે ગુજરાતની બહેન-દિકરીના ગળામાં હાથ નાંખનારા અસામાજિક તત્વોની ખેર નથી. નારીશક્તિના સન્માન અને સુરક્ષા માટે રાજ્ય સરકારે અનેક કાયદાઓને સખ્ત બનાવ્યા છે. મહિલાઓને રંજાડનારા અપરાધીઓની આ સરકાર દયા ખાવા માંગતી નથી,’ એમ બારડોલી ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયા-૨૦૧૯ સંદર્ભે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
બારડોલીના સરદાર પટેલ ટાઉનહોલ ખાતે આયોજિત સમારોહમાં ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ થીમ પર મહિલાલક્ષી કાર્યક્રમોને ઉજવણી થઇ રહી છે. શ્રી જાડેજાએ રાજ્ય સરકારે મહિલાઓના ઉત્થાન માટે લીધેલા પગલાઓની જાણકારી આપતા ઉમેર્યું કે, મહિલાઓના ઉત્કર્ષ માટે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પ૦ ટકા અનામત, પોલિસ ભરતીમાં પણ ૩૩ ટકા અનામત આપી મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાના અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે. મહિલાઓઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડવા દુષ્કર્મના કેસોમાં કડક સજાની જોગવાઈ કરી છે. ચેઈન સ્નેચિંગના કારણે અનેક મહિલાઓને જીવ ગુમાવવા પડ્યા છે, એ બાબતને ધ્યાને લઇ સરકારે ચેઈન સ્નેચિંગના ગુનેગારોને ૧૦ વર્ષની કડક સજાની જોગવાઈ કરી છે. પરિણામે મહિલાના ગળા પર હાથ નાંખનાર તત્વો સો વાર વિચાર કરશે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
ઘેટા અને ઊન વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી અમરશીભાઈ ખાંભલીયાએ સમાજમાં સ્ત્રી સશક્તિકરણના લક્ષ્યને સાધવા માટે મહિલાઓની સમાન ભાગીદારી જરૂરી છે. શિક્ષણ, ઉદ્યોગ, વ્યાપાર, રમતગમત ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધતું જાય છે. જે સમાજ માટે એક સારી નિશાની હોવાનું જણાવી તેમણે મહિલાઓને પોતાના હક્કો પ્રત્યે જાગૃત્ત બની સરકારની અનેક મહિલાલક્ષી યોજનાઓનો લાભ લેવાની અપીલ કરી હતી.
આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે મહિલાલક્ષી વિશિષ્ટ કામગીરી કરનાર યશસ્વી મહિલાઓનું શિલ્ડ અને પ્રશસ્તિપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, મોહનભાઈ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે. કોયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રીતીબેન પટેલ, રેંજ આઈ.જી.પી.શ્રી ડો.રાજકુમાર, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી એ.એમ.મુનિયા, સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો નગરની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.