ચેતેશ્વર પૂજારાએ એકવાર ફરી નિરાશ કર્યા,બહાર કાઢવાની માંગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/Cheteshwar-Pujara.jpg)
નવીદિલ્હી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર સિરીઝની બીજી ટેસ્ટ રમાઈ રહી છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઇન્ડિયાના રોહિત અને કેએલ રાહુલ દ્વારા શાનદાર શરૂઆત આપવામાં આવી હતી ત્યારે ચેતેશ્વર પૂજારા પાસે પણ કંઈક આવા જ પ્રદર્શનની અપેક્ષા કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર તેણે નિરાશ કર્યા અને ફ્લોપ સાબિત થયો.
રોહિત અને કેએલ રાહુલે શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે ૧૨૬ રનની ઐતિહાસિક ભાગીદારી કરી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના વરિષ્ઠ ખેલાડી પૂજારાની એન્ટ્રી થઈ. તે સમયે ટીમ કોઈ દબાણ હેઠળ નહોતી અને તેની પાસે પોતાને સાબિત કરવાની મોટી તક હતી, પરંતુ ચેતેશ્વર પૂજારા નિષ્ફળ રહ્યો હતો. પુજારા માત્ર ૯ રન બનાવ્યા બાદ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો.
બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ જ નહીં પૂજારા પ્રથમ ટેસ્ટમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. એટલું જ નહીં તેણે ૨૦૧૯ બાદ એક પણ સદી ફટકારી નથી. તેને ટીમ ઇન્ડિયામાં ઘણી તકો મળી છે અને બીસીસીઆઇ પાસે ખેલાડીઓની કોઈ કમી નથી, તેથી જાે પુજારા આ શ્રેણીમાં કંઇક કરવામાં નિષ્ફળ જાય તો કદાચ તેને ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવે.
ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેના ખરાબ પ્રદર્શન બાદ પણ પુજારાની ઘણી ટીકા થઈ હતી, પરંતુ ફેન્સને ખાતરી હતી કે તે ઈંગ્લેન્ડ સામે કંઈક અદ્ભુત કરશે. પરંતુ અહીં પણ પુજારા નિષ્ફળ રહ્યો છે, આવી સ્થિતિમાં ફેન્સ ટિ્વટર પર ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ચેતેશ્વર પૂજારાએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય સદી ૨૦૧૯ માં ફટકારી હતી. તે સમયે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી મેચમાં પૂજારાએ ૧૯૩ રન બનાવ્યા હતા. તે સિરીઝમાં પૂજારાએ સૌથી વધુ ૫૨૧ રન બનાવ્યા હતા. પુજારાના આ મજબૂત પ્રદર્શનને કારણે ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સિરીઝ જીતી હતી.