ચેન્નઇથી આવેલું જહાજ “અભિક”ને હવે ગુજરાતના ઓખામાં નિયુક્ત કરાયું
ભારતીય તટરક્ષક દળે ભારતીય તટરક્ષક દળના જહાજ ‘અભિક’ને પુનઃસ્થાપિત કર્યું
અમદાવાદ, ચેન્નઇ ખાતે સ્થાપિત કરવામાં આવેલા ભારતીય તટરક્ષક દળના જહાજ અભિકને હવે ઓખામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. આ જહાજ અગાઉ ડિસેમ્બર 2013માં તટરક્ષક દળની સેવાઓમાં નિયુક્ત કરવામાં આવ્યું હતું. 10 ઑગસ્ટ 2021ના રોજ આ જહાજ ઓખા ખાતે આવી પહોંચ્યું હતું.
કમાન્ડન્ટ (JG) સાન્તા કુમારના કમાન્ડ હેઠળ આવેલા આ જહાજને આવકારવા માટે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય અતિથિ જુનાગઢના મુખ્ય જંગલ સંરક્ષક ડૉ. કે. રમેશ, ભારતીય જંગલ સેવાએ જહાજનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
કમાન્ડર નંબર 15, તટરક્ષક દળ, જિલ્લો ઓખા, DIG કે.આર. દીપક કુમાર પણ આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. 54 મીટર લાંબા આ જહાજનો ઉપયોગ ગુજરાતના દરિયાકાંઠે તટરક્ષક દળના આવશ્યક ચાર્ટરના અમલીકરણ માટે કરવામાં આવશે.
‘અભિક’ જહાજ કે જેના નામનો અર્થ નીડર થાય છે, તે તટરક્ષક દળ દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કવાયતોનો હિસ્સો રહ્યું છે.
આ વિવિધ કવાયતોમાં એપ્રિલ 2018માં યોજાયેલી ઇન્ડો-કોરિયન સંયુક્ત કવાયત, ઑગસ્ટ 2019માં યોજાયેલી ઇન્ડો-યુ.એસ. સંયુક્ત કવાયત અને ઑગસ્ટ 2020માં યોજાયેલી ઇન્ડો-જાપાન સંયુક્ત કવાયત પણ છે. આ જહાજે ઑગસ્ટ 2020માં MT ન્યૂ ડાયમંડ પર લાગેલી આગ દરમિયાન ફાયરફાઇટિંગ કામગીરીમાં પણ ભાગ લીધો હતો.