ચેન્નઈમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, ઘરોમાં પાણી ઘૂસ્યા
તમિલનાડુ, રવિવારે ચેન્નઈમાં પડેલા ભારે વરસાદે હાહાકાર મચાવી દીધો છે. ભારે વરસાદના કારણે આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકો પોતપોતાના ઘરમાં પૂરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચેન્નઈ શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ચેન્નઈમાં પડેલો વરસાદ છેલ્લા ૬ વર્ષમાં સૌથી વધારે હોવાનું એક રિપોર્ટના આધારે જાણવા મળી રહ્યું છે. ચેન્નઈમાં પડી રહેલા સતત વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરો છે તેમાં પાણી ઘૂસી ગયા છે. તેઓ સામે હવે આજીવિકાનું સંકટ ઊભું થઈ ગયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કલાકોથી પડી રહેલા સતત વરસાદના કારણે પાણી પશ્ચિમ મામ્બલમમાં ઘરોમાં ઘૂસી ગયા છે. જેના કારણે લોકોના ઘરનો કિંમતી સામાન ખરાબ થઈ ગયો છે. હજુ પણ ત્યાં વરસાદ ઓછો થયો નથી. ચેન્નઈમાં ભારે વરસાદને પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિ વિશેની જાણકારી લેતા વાત કરી હતી.
બચાવ તેમજ રાહતકાર્ય માટે કેન્દ્ર તરફથી પૂરતી મદદની ખાતરી આપવા જણાવ્યું હતું. તેમજ ચેન્નઈના લોકો ભારે વરસાદમાં સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરી હતી. અહીં નોંધનીય છે કે ચેન્નઈમાં શનિવારે સવારથી થઈ રહેલા વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું સર્જન થયું છે.
વર્ષ ૨૦૧૫ બાદ શહેરમાં પ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે. અનેક વિસ્તારોમાં માર્ગો તથા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વહીવટીતંત્રએ રવિવારે પૂરની ચેતવણી આપી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને પૂરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કર્યો છે.
તેઓ પાણીમાં ડૂબી ગયેલા માર્ગો પર ચાલીને લોકો સુધી પહોંચ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ચેન્નઈ શહેરની બહાર ગયેલા લોકો પણ પરેશાન છે. કારણકે ઘણાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તેઓ ઓળખીતાને ફોન કરીને પરિસ્થિતિની જાણકારી લઈ રહ્યા છે.
ચેન્નઈના એક સ્થાનિકે ન્યૂઝ ચેનલને જણાવ્યા મુજબ, તેમના ઘરના રસોડા અને વૉશરૂમમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ પણ ઓછો થઈ રહ્યો નથી અને મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તમિલનાડુમાં ઉત્તર-પૂર્વનું ચોમાસું છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય છે, જેને લીધે રાજ્યમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અધિકારીઓએ સૂચના આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે.SSS