Western Times News

Gujarati News

ચેન્નાઇ એરપોર્ટ પરથી ૭૦ કરોડના હેરોઇનના જથ્થા સાથે બે આફ્રિકન મહિલા ઝડપાઇ

ચેન્નાઇ: ચૈન્નઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ ૭૦ કરોડનો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલી બે મહિલાઓ ટ્રોલી બેગમાં ૧૦ કિલો હેરોઈનનો જથ્થો લાવી હતી. કસ્ટમ વિભાગે એ બંને આફ્રિકન મહિલાની ધરપકડ કરીને પૂછપરછ શરૃ કરી છે.

ચૈન્નઈના આંતરરાષ્ટ્રીય હવાઈ એરપોર્ટમાં જ્હોનિસબર્ગથી બે આફ્રિકન મહિલાઓ ઉતરી હતી. એ બેમાંથી એક મહિલા વ્હિલચેરમાં સવાર હતી. વ્હિલચેરમાં સવાર મહિલા પહેલી નજરે બિલકુલ બિમાર જણાતી ન હતી. ફિટ લાગતી એ મહિલાની એરપોર્ટ ઓથોરિટીએ પૂછપરછ કરી તો અધિકારીઓને શંકા થઈ હતી.એ પછી બંનેને વધારે સવાલો પૂછ્યા તો એમાં વધુ શંકા થવા લાગી હતી. એ પછી એરપોર્ટ અધિકારીઓએ બંને મહિલાઓના સામાનની તલાશી લીધી હતી.

દક્ષિણ આફ્રિકાથી આવેલી આ બંને મહિલાઓ પાસે ટ્રોલી બેગ્સ હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓએ ટ્રોલી બેગની તપાસ કરી તો એમાંથી અંદર સીવેલા આઠ પ્લાસ્ટિકના પેકેટ્‌સ મળી આવ્યા હતા.એ પેકેટ્‌સમાં હેરોઈનનો જથ્થો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે ૯.૮૭ કિલોગ્રામ જેટલું હેરોઈન એ પ્લાસ્ટિકની બેગ્સમાં ભર્યું હતું. તેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ ૭૦ કરોડ રૃપિયા જેટલી કિંમત થાય છે. હેરોઈનનો જથ્થો જપ્ત કરીને અધિકારીઓએ બંને આફ્રિકન મહિલાઓની ધરપકડ કરી હતી.

આફ્રિકાથી દોહા અને દોહાથી ચેન્નાઈ આવેલી આ મહિલાઓની પૂછપરછ શરૃ કરવામાં આવી છે. મેડિકલ ટ્રિટમેન્ટના બહાના હેઠળ ભારત આવતી આ મહિલાઓ ડ્રગ્સનો જથ્થો પણ ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં હતી. આ ડ્રગ્સના રેકેટમાં સ્થાનિક એજન્ટો પણ સંડોવાયેલા હોવાથી તેના સુધી પહોંચવા તપાસ અધિકારીઓએ તજવીજ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.