ચોખામાંથી બનાવેલા ચિત્રોનું પ્રદર્શન જોવું હોય તો અમદાવાદની ગુફા પહોંચી જાવ
અમદાવાદના કલા રસિકો માટે ઉત્તમ તક – અમદાવાદની ગુફા “ધ આર્ટ ગેલેરી” ખાતે રાઈસગર્લ કલગીબહેન શાહના ચિત્રોનું પ્રદર્શન
પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરતા ઝાયડસ ગ્રુપના મહિલા અગ્રણીઓઃ ૧૭મી એપ્રિલ સુધી પ્રદર્શનીમાં ચિત્રો નિહાળી શકાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, કોઈ પણ કલાને આત્મસાત કરવી હોય તો અથાગ પરિશ્રમ કરવો પડે છે ત્યારે તેમાં સિધ્ધી મળતી હોય છે. કલાકારને સફળતા મેળવતા વર્ષો વીતી જાય છે. આપણે ત્યાં કહેવત છે કે “સિધ્ધિ તેને વરે જે પરસેવે નહાય” અર્થાત્ પરિશ્રમ જ પારસમણી છે.
અમદાવાદમાં રાઈસ ગર્લ તરીકે સુપ્રસિધ્ધ કલગીબહેન શાહ સાવ નાના અમથા ચોખાને કંડારીને અદ્ભુત ચિત્રો બનાવે છે. ચોખામાંથી બનાવેલા ચિત્રોની પ્રદર્શની અમદાવાદની ગુફા, ધ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લી મુકાઈ છે. ૧૭ એપ્રિલ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી આ સુંદર કલાત્મક ચિત્રો નિહાળી શકાશે.
અમદાવાદના કલા શોખીનો માટે આ એક ઉત્તમ તક છે. આ ચિત્રોની પ્રદર્શનીનું ઉદ્ઘાટન ઝાયડસ ગ્રુપના પંકજ પટેલના ધર્મ પત્નિ પ્રીતીબહેન પટેલ તથા પુત્ર વધુ મેહાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં સુંદર અને કલાત્મક ચિત્રો બનાવનાર કલગીબહેન શાહ સાથે વેસ્ટર્ન ટાઈમ્સે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે
છેલ્લા દસ વર્ષથી તેઓ આ પ્રકારના ચિત્રો બનાવી રહયા છે. અમદાવાદ આર્ટ ગેલેરી ખાતે ૪પ થી વધુ ચિત્રો પ્રદર્શનીમાં મુકવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલ, તથા હેરીટેઝ સહિતના ચિત્રો ધ્યાન ખેંચતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચોખામાંથી ચિત્ર બનાવતા તેમને ખાસ્સો એવો સમય લાગ્યો હતો.
કારણ કે વડાપ્રધાનના હાવભાવ તેમાં આવે તે પ્રકારે તેમણે ચિત્ર બનાવ્યું હતું. આગામી દિવસોમાં દિલ્હી જઈને તેઓ વડાપ્રધાનને રૂબરૂમાં તેમનું ચિત્ર આપવા માંગે છે. ધ આર્ટ ગેલેરીમાં ચિત્રની પ્રદર્શનીની શરૂઆત થતા જ કલા રસિકો આવી પહોંચ્યા હતા
અને ચિત્રોને ધ્યાનપૂર્વક નિહાળ્યા હતા આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ચિત્ર પ્રદર્શની નિહાળવા આવશે. ધ રાઈસ ગર્લ તરીકે કલગી શાહની ઈંડિયા બુકમાં પણ નોંધ લેવાઈ છે. ચિત્ર પ્રદર્શનીના ઉદ્ઘાટક મેહાબેન પટેલે કલગીબહેન શાહને શુભેચ્છા પાઠવી હતી.