ચોટીલા પાવાગઢ સહિત અનેક ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ ઉમટ્યો

પવિત્ર શ્રાવણ મહિનો અને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરવાની ફરજ પડી હતી.
ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાં માટે હેકડેઠઠ માનવમેદની ઊમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ડુંગર ચડવા માટે પગથિયા પણ ટૂંકા પડ્યા હોવાથી લોકો આડેધડ ડુંગર ચડવા માંડ્યા હતા.
પવિત્ર શ્રાવણ માસના સાતમ અને આઠમના તહેવારોને લઇને લોકો પરિવારજનો સાથે રજા માણવા નીકળી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગરે માતાજીના દર્શન કરવાં માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના તહેવારના દિવસે ગુજરાત ભરમાંથી લોકો ઉમટી પડ્યા હોવાથી હાઇવે રોડ પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળ્યા હતા.

શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર હોય સવારની મંગળા આરતીથી જ સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યો છે. ભગવાન કૃષ્ણે જ્યાં દેહત્યાગ કર્યો,તે ભાલકા-ભીડીયા સહીતનાં મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસને વિદાય આપવા અને પૂણ્યનું ભાથું બાંધવા ભાવિકો સપરિવાર પહોચ્યા છે.
બીજી તરફ, ચોટીલા અને અંબાજી જેવા મંદિરોમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં.રવિવારની રજા અને શ્રાવણનાં અંતિમ સોમવારે આઠમની રજાનો લાભ લઇ દૂર-સુદૂરથી પ્રવાસીઓ ધાર્મિક સ્થળો પર ઉમટયા છે.
દર્શનાર્થીઓની સાથે શ્રધ્ધાળુઓ માસ્ક વગર સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવાની સાથે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા નજરે પડ્યાં હતા.
ચોટીલા જેવી જ સ્થિતિ પાવાગઢમાં જોવા મળી હતી.પાવાગઢના ડુંગર પર પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. એક તબક્કે રોપ-વેમાં જવાનું છોડી,ભાવિકો મંદિર સુધી પહોચવા દોટ લગાવી હતી.ધાર્મિક સ્થળો પર ઉમટેલી આ ભીડે એક તબક્કે તો કોરોના ક્યારેય આવ્યો જ નથી.તેવો માહોલ બનાવી દીધો હતો.
શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને તેમાં પણ ગોકુલ આઠમનો તહેવાર આવતા જાણે ‘સોનામાં સુગંધ’ભળી હોય તેમ ભાવિકો સૌરાષ્ટ્રથી માંડી શામળાજી સુધી ઉમટી પડ્યા છે. માત્ર કૃષ્ણ તીર્થ સ્થાન જ નહિ,પરંતુ અંબાજી,ચોટીલા, પાવાગઢ અને સોમનાથ જેવા પવિત્ર તીર્થસ્થાનો પર પણ માનવ મહેરામણ ઉમટ્યો છે. વિશેષ તો દ્વારિકામાં સવારથી જ ભાવિકો દર્શન-આરતીનો લાભ લઇ રહ્યા છે.
સમી સાંજ પછી આ ઉત્સાહ ધીમે-ધીમે ચરમ પર આવશે. રાત્રીના 12 વાગ્યે કૃષ્ણ જન્મ સાથે જ ભાવિકોની ભક્તિનો આવિર્ભાવ કૃષ્ણમય બની જશે. તો ડાકોરમાં દર્શન-આરતી માટે ભાવિકોનો ધસારો જોવા મળ્યો છે. માત્ર મધ્ય ગુજરાત નહિ પરંતુ ઠેર-ઠેરથી ભાવિકો અહીં ઉમટી પડ્યા છે.સમગ્ર ગુજરાત જાણે ગોકુળ-વૃન્દાવનમાં પરિવર્તિત થયું હોય તેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર,જુનાગઢ જેવા શહેરો પણ કાન્હાના વધામણાંમાં એકાકાર છે .