ચોટીલા માનતા પૂરી કરવા જઈ રહેલા પરિવારને અકસ્માત નડતા બેના મોત
રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દીકરીની માનતા પૂરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. પગપાળા ચાલીને જતા પરિવારને પાછળથી અજાણ્યા વાહને ઠોકર મારતાં જે એક વર્ષની દીકરીને માનતા હતી તે અને તેના કાકાનાં મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો.
ગઇકાલે સાંજના સમયે વરસાદે વિરામ લીધા બાદ મિયાત્રા પરિવારના ૪ સભ્યો ૬ વાગ્યા આસપાસ પગપાળા ચાલીને ૧ વર્ષની દીકરીની માનતા પૂરી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા અને રાત્રિના લગભગ ૧થી ૧.૩૦ વાગ્યાના અરસામાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલક પાછળથી પૂરપાટ ઝડપે આવી ઠોકર મારી નાસી છૂટ્યો હતો, જેમાં ૧ વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે તેનાં માતા-પિતાને ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે,મારે સંતાનમાં એક જ દીકરી હતી અને એ જ દીકરીની માનતા પૂરી કરવા માટે તેઓ ગઇકાલે સાંજે ૬ વાગ્યે પગપાળા ચાલીને ચોટીલા જઇ રહ્યા હતા. આ સમયે રાત્રિના ૧થી ૧.૩૦ વાગ્યા અરસામાં અજાણ્યા વાહનચાલકે પાછળથી ઠોકર મારતાં મારી દીકરી અને તેના કાકાના દીકરા ભાઇ રવિનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલાં દીકરીની માતાને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે તેના પિતાને માથામાં ગંભીર ઇજા પહોંચી છે. લોહીલુહાણ હાલતમાં બંનેને હોસ્પિટલ ખસેડાયાં હતાં. જાેકે દીકરીના પિતાની તબિયત સ્વસ્થ છે, પરંતુ એકની એક દીકરી છીનવાઇ જતાં પરિવાર ભાંગી ગયો છે.
ત્રણ દિવસ પહેલાં રાજકોટની બેડી ચોકડી પાસે સવારે બંધ ટ્રક પાછળ આઇસર ધડાકાભેર અથડાઈ હત, જેમાં પડધરી તાલુકાના ઉકરડા ગામમાં રહેતો અને ક્લિનર તરીકે કામ કરતો દીપક સોલંકી પડીકુ વળી ગયેલા બોનેટમાં જ ફસાઈ ગયો હતો.
જાેકે આ અંગે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં અને ૧૦૮ને જાણ થતાં દોડી આવી હતી. ૧૦૮ની ટીમે તપાસ કરતાં દીપકનું મોત થયું હતું. બાદમાં પોલીસે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેમના પરિવારને જાણ કરતાં તેના કૌટુંબિક મોટો ભાઇ નરેશભાઇ દોડી આવ્યા હતા. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી કરી હતી.