ચોથા તબક્કાની ૯ રાજ્યની ૯૬ બેઠક પર આજે મતદાન
આંધ્ર પ્રદેશમાં ૧૭૫ બેઠકો અને ઓડિશાની ૨૮ વિધાનસભા બેઠકો માટે સિંગલ ફેઝ વિધાનસભા ચૂંટણી માટે પણ આ તબક્કામાં મતદાન થવાનું છે.
(એજન્સી)નવી દિલ્હી, સોમવારે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ૯ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૯૬ લોકસભા બેઠકો પર મતદાન ૧૩ મેએ મતદાન થવાનું છે. જેમાં આંધ્રપ્રદેશની ૨૫ બેઠકો, તેલંગાણાની ૧૭ બેઠકો, ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો, મહારાષ્ટ્રની ૧૧ બેઠકો, મધ્યપ્રદેશ
અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ બેઠકો, બિહારની ૫ બેઠકો, ઝારખંડ અને ઓડિશાની ચાર-ચાર બેઠકો સાથે જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે કુલ એક હજાર ૭૧૭ ઉમેદવારો મેદાનમાં છે.
આંધ્ર પ્રદેશમાં ૧૭૫ બેઠકો અને ઓડિશાની ૨૮ વિધાનસભા બેઠકો માટે સિંગલ ફેઝ વિધાનસભા ચૂંટણી માટે પણ આ તબક્કામાં મતદાન થવાનું છે.
એક લાખ ૯૨ હજાર મતદાન મથકો પર ૧૯ લાખથી વધુ મતદાન અધિકારીઓ તૈનાત રહેશે. મતદાન સવારે ૭ વાગ્યે શરૂ થશે અને સાંજે ૬ વાગ્યે સમાપ્ત થશે. પંચે જણાવ્યું હતું કે, તેલંગાણાના ૧૭ સંસદીય મતવિસ્તારના અમુક વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનનો સમય પંચ દ્વારા વધારવામાં આવ્યો હતો.
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચોથા તબક્કાનું મતદાન જે સંસદીય વિસ્તારોમાં થવાનું છે. ત્યાં સામાન્ય રહેવાની સંભાવના છે અને આ વિસ્તારોમાં આકરી ગરમીની સ્થિતિ નહીં હોય. જો કે, મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમાં પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળીનો સમાવેશ થાય છે
જેથી દરેક મતદાતા, જેમાં વૃદ્ધો અને વિકલાંગ વ્યક્તિઓ પણ સહેલાઈથી મતદાન કરી શકે. અત્યાર સુધી, સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના ત્રીજા તબક્કા સુધી ૨૮૩ સંસદીય મતવિસ્તારો અને ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.