ચોથી ટી-૨૦: સુપર ઓવરમાં ભારતે ફરી ન્યૂઝીલેન્ડને હરાવ્યું
વેલિંગ્ટન, ચોથી ટી-૨૦માં ભારતે ન્યૂઝીલેન્ડે સામે ફરી સુપર ઓવરમાં વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં ૧ વિકેટે ૧૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૫ બોલમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી ટી-૨૦ મેચ ટાઇ પડતા ફરી સુપર ઓવરમાં વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સતત બીજી મેચ ટાઇ પડી હતી. આ પહેલા ત્રીજી ટી-૨૦ મેચ પણ ટાઇ રહી હતી. જેમાં ભારતે વિજય મેળવ્યો હતો. ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૫ રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૬૫ રન બનાવતા મેચ ટાઇ પડી હતી. આ જીત સાથે ભારત પાંચ મેચની શ્રેણીમાં ૪-૦થી આગળ છે. બંને વચ્ચે પાંચમી અને અંતિમ ટી-૨૦ મેચ ૨ ફેબ્રુઆરીના રોજ રમાશે.
ન્યૂઝીલેન્ડની ૨૦મી ઓવરમાં જીત માટે ૬ બોલમાં ૭ રનની જરુર હતી અને ૭ વિકેટ બાકી હતી. અંતિમ ઓવરમાં શાર્દુલ ઠાકુરે ૩ વિકેટ ઝડપી હતી અને ફક્ત ૬ રન જ આપ્યા હતા. શાર્દુલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
૧૬૬ રનના પડકાર સામે ન્યૂઝીલેન્ડની શરુઆત ખરાબ રહી હતી. ગુપ્ટિલ ૪ રને આઉટ થયો હતો. આ પછી મૂનરો અને શેફર્ટે ૭૪ રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. મુનરો ૬૪ રને રન આઉટ થયો હતો. મૂનરોએ ૪૭ બોલમાં ૬ ફોર અને ૩ સિક્સર સાથે ૬૪ રન બનાવ્યા હતા. બ્રૂસ ખાતું ખોલાયા વિના આઉટ થતા ન્યૂઝીલેન્ડે ૯૭ રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ પછી શેફર્ટ અને ટેલરે ૬૨ રનની ભાગીદારી કરી બાજી પલટાવી નાખી હતી. ટેલર ૨૪ રને આઉટ થયો હતો. શેફર્ટે ૩૯ બોલમાં ૪ ફોર અને ૩ સિક્સર સાથે ૫૭ રન બનાવ્યા હતા.
સેમસન ૮ રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી ૧૧ અને ઐયર ૧ રને આઉટ થતા ભારતે ૫૨ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. શાનદાર ફોર્મમાં રહેલા રાહુલે ૩૯ રનની ઇનિંગ્સ રમી હતી. શિવમ દુબે ૧૨ રને આઉટ થતા ભારતે ૮૪ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી મનીષ પાંડેએ ૩૬ બોલમાં ૩ ફોર સાથે ૫૦ રન બનાવી ટીમનો સ્કોર ૧૬૫ રન સુધી પહોંચાડ્યો હતો.
ચોથી ટી-૨૦માં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન (દ્ભટ્ઠહી ઉૈઙ્મઙ્મૈટ્ઠદ્બર્જહ) ખભાની ઇજાના કારણે મેચ રમી રહ્યો નથી. જેથી ટીમની કેપ્ટનશિપ ટીમ સાઉથીને આપવામાં આવી છે. આ મેચમાં ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા હતા. રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને આ મેચમાં આરામ અપાયો હતો. તેના સ્થાને સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈનીને તક આપવામાં આવી છે.