ચોથી પત્નીની ફરિયાદના આધારે NRI પતિની ધરપકડ, પાંચમા લગ્નની તૈયારી કરતો હતો!
રોહતક, આમ તો છાશવારે એનઆરઆઇ છોકરાઓ દ્વારા લગ્નના નામે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આ જે ઘટના સામે આવી છે તેણે તો હદ કરી નાંખી છે. એક એનઆરઆઇ યુવકને લગ્નનો એવો ચસ્કો ચડ્યો કે એક-બે નહીં પરંતુ ચાર ચાર લગ્ન કરી નાંખ્યા.
માત્ર એટલું જ નહીં પરંતુ આ યુવક તો પાંચમા લગ્નની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ પાંચમા લગ્ન થાય તે પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો. આ એનઆરઆઇની ચોથી પત્નીની ફરિયાદના આધારે પોલિસે તેની ધરપકડ કરી છે.
આ ઘટના છે હરિયાણાના રોહતકની. રોહતકમાં રહેતો નરેશ કુમાર નામનો વ્યક્તિ અમેરિકામાં રહેતો હતો. ત્રણ મહિના પહેલા ટોહના પોલિસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ફરિયાદ એક મહિલાએ કરી હતી, જે પોતાને નરેશ કુમારની ચોથી પત્ની ગણાવતી હતી. મહિલાએ જણાવ્યું કે આ પહેલા નરેશ કુમારે ત્રણ લગ્ન કર્યા છે અને હવે પાંચમા લગ્નની તૈયારી પણ કરી રહ્યો છે.
આ ફરિયાદના આધારે પોલિસે નરેશ કુમારે તેની વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દીધી અને હાલમાં જ્યારે તે અમેરિકાથઈ આવ્યો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી. પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના લગ્ન એક વર્ષ પહેલા થયા છે.
લગ્નના એક મહિના બાદ જ તેનો પતિ અમેરિકા જતો રહ્યો. નરેશ કુમાર તેની પત્નીના ઘરેણા પણ સાથે લઇ ગયો. ત્યારબાદ તે પત્ની પાસેથી વધારાના પૈસા માંગવા લાગ્યો. જ્યારે પત્નીએ પૈસા આપવાની ના પાડી તો તેણે તેનો ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધો.
ત્યારબાદ આ મહિલાને સૂચના મળી કે તે પાંચમા લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારબાદ આ મહિલાએ પોલિસમાં ફરિયાદ કરી છે. જેના આધાર ઉપર નરેશ કુમારની ધરપકડ કરવામાં આવી છે.