ચોથો ડોઝ કોરોના પર ભારે પડશે: વેક્સિનના ત્રીજા ડોઝ કરતાં વધુ અસરકારક
નવી દિલ્હી, દુનિયાના ઘણા ભાગમાં કોરોનાના વધતા કેસની વચ્ચે બ્રિટનના વૈજ્ઞાનિકોએ વેક્સિનના ચોથા ડોઝ વિશે એક મોટી વાત કહી છે. દેશમાં કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ફાઈઝર અને મોડર્ના વેક્સિન્સનો ચોથો ડોઝ સુરક્ષિત છે. સાથે તે ત્રીજા ડોઝની સરખામણીએ શરીરમાં વધારે ઈમ્યુનિટી વધારે છે. આ સ્ટડી ધ લાન્સેટ ઈન્ફેક્શિયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.
બ્રિટિશ સરકાર કોરોના વેક્સિનનો ચોથો ડોઝ તે લોકોને આપી રહી છે, જેમની ઈમ્યુનિટી ઘણી કમજોર છે. તેને ‘સ્પ્રિંગ બુસ્ટર’ તરીકે આપવામાં આવી રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સ્ટડીમાં સંપૂર્ણ ડેટા સામે આવતા પહેલા લોકોમાં એન્ટિબોડીનું સ્તર જાળવી રાખવા માટે આ એક સાવચેતી વ્યૂહરચના છે. આ વર્ષના અંત સુધી વેક્સિનનો બુસ્ટર ડોઝ બાકીના લોકોને પણ આપવામાં આવશે.
આ સ્ટડીમાં 166 લોકોને સામેલ કરવામાં આવ્યા. આ લોકો જૂન 2021માં ફાઈઝર અથવા એસ્ટ્રાજેનેકા વેક્સિન્સના બંને ડોઝ લીધા પછી ફાઈઝરનો ત્રીજો ડોઝ પણ લઈ ચૂક્યા હતા. વેક્સિન્સને મિક્સ એન્ડ મેચ કરનાર આ રિસર્ચમાં સામેલ લોકોને ફાઈઝરનો ડોઝ અથવા મોડર્નાનો અડધો ડોઝ ચોથા ડોઝ તરીકે આપવામાં આવ્યો. ત્રીજા અને ચોથા ડોઝની વચ્ચે 7 મહિનાનું અંતર રાખવામાં આવ્યું.