ચોપડા ગામના ખેડૂત કીર્તિભાઈની છુટા ફૂલોની ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી
બાગાયત વિભાગની છુટા ફૂલોની ખેતી યોજના થી ખેડૂતનુ સપનું સાકાર : કેન્દ્ર અને રાજ્ય સરકાર પુરસ્કૃત બાગાયત વિભાગની યોજનાથી કીર્તિભાઈને પ્રોત્સાહન મળ્યુ
લુણાવાડા, વૈશ્વિક મહામારી કોરોનાના સંકટકાળમાં લગ્નસરાની મૌસમ, તહેવારોની ઉજવણી તેમજ દેવદર્શન મર્યાદિત થવાના કારણે ફૂલ ઉદ્યોગને પણ વ્યાપક અસર પડી હતી પરંતુ અનલોકમાં નવરાત્રિ પર્વમાં શક્તિ વંદનામાં મળેલ છૂટછાટોને પગલે આરતી વંદના સહિતના કાર્યક્રમો કોવિડ ગાઈડલાઇન અનુસરીને શરૂ થયા છે
જેના પગલે તહેવારોના ટાણે ફૂલોની માંગમાં ઉછાળો જોવા મળતાં ભાવોમાં તેજી જોવા મળી રહી છે ત્યારે પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો માટે ફૂલોની ખેતીએ આવક રળી આપતો એક લઘુ ઉધોગ ખેડૂતો માટે સાબિત થઇ રહ્યો છે ત્યારે આવી જ પ્રેરણાદાયી બાગાયતી છુટા ફૂલોની ખેતી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામના શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત કીર્તિભાઈ પટેલ કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.
કીર્તિભાઈ પટેલ અગાઉ ડાંગર, મકાઈ અને ઘઉં જેવા ખેતી પાકોની ખેતી કરતા હતા. પરંતુ તેમાં મજુરી ખર્ચ વધુ અને ઉપજ ઓછી હોવાના કારણે આર્થિક રીતે ખેતી પરવડતી નહોતી.શિક્ષિત અને જાગૃત ખેડૂત સરકારના કૃષિ રથ અને કૃષિમહોત્સવ જેવા ખેડૂતો માટે પ્રેરક કાર્યક્રમોના માધ્યમથી ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગના સંપર્કમાં આવી બાગાયતી ખેતી પાકો તરફ પ્રેરાયા. આ ખેતીમાં મજુરી ખર્ચ ઓછો તથા ઉત્પાદન અને આવક વધુ મળી શકે.
તેથી કીર્તિભાઈએ મહીસાગર જીલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરીને છુટાફૂલ પાકોની ખેતી વિશે માર્ગદર્શન તથા સલાહ મેળવી. વધુમાં છુટા ફૂલોમાં બાગાયત ખાતાની સહાય અને માર્ગદર્શન પણ મળે છે. તે બધા પાસાઓને ધ્યાને લઇ બાગાયતી ખેતી કરવાનો નિર્ધાર કર્યો. બાગાયતી ખેતી ખાસ કરીને ફૂલોની ખેતીમાં સારૂ મળતર રહેતું હોઈ તેના માટે ખેડૂત આઇ પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ ભરી છુટા ફુલોની ખેતી યોજના માટે અરજી કરી તેઓએ ૫૦ ગુંઠામાં ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી. તહેવારોમાં ફૂલોનું વેચાણ પણ સારું હોય છે.
આ સમયમાં ગલગોટાની માંગ બજારમાં સારી હોવાથી રોકડા નાણાં મળે છે. ૫૦ ગુંઠાના વિસ્તારમાંથી રૂ. ૬૦,૦૦૦/- ની આવક મળશે તેમ જણાવી તેમાંથી ખેતી ખર્ચ રૂ.૧૫૦૦૦/- બાદ કરતા અંદાજે ચોખ્ખો નફો રૂ. ૪૫,૦૦૦/- જેટલો માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં થશે તેવું જણાવ્યું હતુ. તેમની બાગાયતી ખેતીના સફળ અનુભવ પછી તેમના ગામના અન્ય ખેડૂતો પણ બાગાયતી છુટા ફૂલોની ખેતી તરફ પ્રેરાયા છે.
મહીસાગર જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર જીલ્લામાં ફૂલ પાકોનું વાવેતર ૨૧૫ હેક્ટર થી ૨૨૫ હેક્ટર સુધી થાય છે. જેમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, ગેલાડીયા વગેરે ફૂલપાકોનો સમાવેશ થાય છે. સરકારશ્રી દ્વારા જુદા જુદા ઘટકો જેવા કે દાંડી ફૂલો,કંદ ફૂલો, છુટાફૂલોમાં ૨૫% થી માંડીને ૪૦% સુધીની સહાય આપવામાં આવે છે. કેન્દ્ર સરકારશ્રી દ્વારા હેક્ટર વાવેતર માટે મુખ્ય સહાય પેટે ૪૦% સહાય તથા રાજ્ય સરકારશ્રી દ્વારા પુરક સહાય પેટે ૧૫% સહાય આપવામાં આવે છે.અન્ય ખેડૂતો માટે કીર્તિભાઈની છુટા ફુલોની બાગાયતી ખેતી પ્રેરણા રૂપ બની છે.