ચોમાસાની ઋતુમાં શાક શું બનાવવુ?? ગૃહિણીઓને મુંઝવતો પ્રશ્ન
ચોમાસામાં સિલેકટેડ શાકભાજી મળતા હોવાથી એકના એક શાકભાજી ખાવાથી કંટાળતા લોકો કઠોળ, કઢી-દાળનો વપરાશ વધારે
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગૃહીણીઓને મોટો પ્રશ્ન જાે સતાવતો હોય તો એ શાકમાં બનાવવુ શુ?? કારણ કે મોટાભાગના ઘરોમાં છોકરાઓ ‘શાકભાજી નથી ખાતા’ની ફરીયાદ ઉઠતી જાેવા મળે છે. એમાંય લીલા શાકભાજી ખાવા હિતાવહ નહીં હોવાથી જનરલી કોઈ ખાતુ નથી.
પરિણામે એકના એક જ શાકભાજી ખાવાથી બાળકો કંટાળી જતા હોય છે. તેથી ગૃહિણીઓ માટે ચોમાસામાં રોજ કયા શાક બનાવવા તે જટીલ સમસ્યા રહે છે. જાે કે ચોમાસામાં શાકભાજી ખાવાથી કંટાળેલા લોકો કઠોળનો વપરાશ વધારે કરે છે. આ અંગે પૂછતા ગૃહિણી રેખાબેન અને બીનાબેને જણાવ્યુ હતુ કે ચોમાસામાં એક જ પ્રકારના શાક ખાવાથી છોકરાઓ નહીં, મોટા પણ કંટાળી જતાં હોય છે. આવા સમયે કઠોળનો ઉપયોગ વધી જાય છે. ચણા, રાજમા, મગ, મઠ, સહિતના કઠોળનો વપરાશ વધારે કરવો પડે છ.
આ ઉપરાંત પનીર સાથે બટાકા, કેપ્સીકમ મરચાનો ઉપયોગ કરાય છે. તો ચોમાસામાં ગોટા-બટેકાવડા, ભજીયા વરસાદ પડતો હોય ત્યારે બનાવીએ છીએ. ચોમાસામાં મોટેભાગે જે શાકભાજી આવે છે તેમાં મુખ્યત્વે પાંચ સાત પ્રકારના શાકભાજી જ મુખ્ય હોય છે. વળી, સવાર-સાંજ તેમાંથી જ શાકભાજી બનાવવાના હોવાથી છોકરાઓ કંટાળી જાય છે.
તો દાળ-કઢી પણ આ સિઝનમાં વધારે બનાવાય છે. હવે તો નવી નવી રેસીપીથી શાકભાજી બનાવી શકાય છે. પરંતુ રોજબરોજ ના ઉપયોગમાં નવી રેસીપીના શાક બનાવવા મુશ્કેલ બની જાય છે. પહેલાંના સમયમાં લોકો છૂંદો, અથાણા સાથે ચલાવી લેતા હતા. ચોમાસામાં છુંદા, અથાણાનો વપરાશ વધી જતો હતો.
પરંતુ હવેની યુવાપેઢી હેલ્થની બાબતમાં વધારે જાગૃત થઈ ગઈ હોવાથી અથાણા-છુંદા ખાવાથી દુર રહે છે. અને તેથી જ રસોડાની રાણી ગણાતા ગૃહિણીઓના માથે કપરી જવાબદારી આવી પડે છે. કામધંધંથી પાછા ફરતા પુરૂષ વર્ગ પહેલા આવીને આજે શુૃ બનાવ્યુ છે અચૂક પૂછતો હોય છે.
આવા સમયે ભાવતુ શાક ન હોય તો ઘણી વખત કંકાસ થતો હોય છે. ખાસ તો આજની યુવાપેઢી ખાવાની બાબતમાં અનુકૂળ થઈ શકતી નથી. પોતાનો પાલ્ય ‘ભૂખ્યો ન રહે તે માટે માતા સતત ચિંતીત રહેતી જાેવા મળે છે.