Western Times News

Gujarati News

ચોમાસાની ઋતુ દરમિયાન આકાશીય વિજળી પડે તો શું કરવું?

હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન આકાશીય વિજળી અંગેની જરૂરી જાણકારી સાથે પ્રજાજનોને તેમનું જીવન સુરક્ષિત બનાવવા માટે સાવચેતીપૂર્વક સતર્ક રહેવા જિલ્લા પ્રસાશનની જાહેર અપીલ

રાજપીપલા, હાલમાં વર્ષાઋતુમાં નર્મદા  જિલ્લામાં વિજળી પડવાને કારણે માનવ મૃત્યુના બનાવ બનવા પામેલ છે.  આ અંગે આકાશી વિજળીથી અંગેની  જરૂરી જાણકારી મેળવવાની સાથોસાથ પ્રજાજનોને તેમનું જીવન  સુરક્ષિત બનાવવા માટે નર્મદા  જિલ્લા પ્રસાશન તરફથી આવા સમયે રાખવાની થતી સાવચેતી સાથે લોકોને સતર્ક રહેવા જાહેર અપીલ કરાઇ છે.

તદ્અનુસાર આકાશીય વિજળી સમયે ઘરની અંદર હોવ ત્યારે વિજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો,  બારી-બારણા અને છતથી દુર રહેવું, વિજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું.

આકાશીય વિજળી સમયે જો ઘરની બહાર હોવ તો ઊંચા વૃક્ષો વિજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળવું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય,

આથી મજબૂત છત વાળા મકાનમાં આશ્રય મેળવવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો, પાણી વિજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાવ, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલીફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો.

વિજળી પડવાની શકયતા જો તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વિજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી. લાકડા જેવી અવાહક વસ્તુ વડે ર્શાક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા, મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો, કરંટ લાગનાર વ્યકિત દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું, કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ર્ડાકટરને જાણ કરવી,

દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહી, આકાશીય વિજળીનો ઝટકો લાગે ત્યારે વિજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર  આપવી જોઇએ.

આકાશી વિજળી થતી હોય તે  દરમ્યાન રાખવાની સાવચેતીઓ:- વિજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વિજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, જો તમે ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો, તો ઘરની અંદર જાઓ. ગર્જના પછી ઓછામાં ઓછા ૩૦મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરો.

ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થીંગ રાખો, વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા, ઈલેકટ્રીકના ઉપકરણો પાણીની લાઈના તથા ભેજથી દૂર રાખવા, વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું, તંત્રેની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું,

શોર્ટસર્કીંથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવીએ સ્વીચ વાપરવી, ઘરમાં દરેકને મેઈન સ્વીચની જાણ હોવી જોઈએ, ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું, ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું,

ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું, ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું, તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા, ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહી, ઈલેકટ્રીક થાંભલા/ટેલીફોન થાંભલાને અડકવું નહી તેમ, નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર તરફથી જાહેર અનુરોધ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.