ચોમાસા દરમિયાન પૂર અને કોરોનાના ડબલ ડિઝાસ્ટરને પહોંચી વળવા વડોદરા જિલ્લા તંત્ર સજ્જ
વડોદરા: કોરોના ઉપરાંત સંભવિત ચોમાસું આપદાઓ ને પહોંચી વળવાની બેવડી સુસજ્જતા હાલમાં જરૂરી બની છે. જેને અનુલક્ષીને કોવીડ-૧૯ મહામારી અને ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિઓ જેવી કે, પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ પહોંચી વળવા માટે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલના નેતૃત્વમાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.
આજે કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના નિર્દેશો અનુસાર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપરોક્ત એજન્સીઓ સાથે સંકલન સાધીને તાલુકા સ્તરના અધિકારી-કર્મચારીઓને કોરોના માહામારી વચ્ચે પૂરની સ્થિતિમાં કેવી રીતે બચાવ-રાહત કામગીરી કરવી એનું નિદર્શન અને બચાવ કામગીરી દરમિયાન કોરોના સંક્રમણથી સુરક્ષિત રહી શકાય તે અંગે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં આર્મી, એનડીઆરએફ, એરફોર્સ, એસ. ડી.આર.એફ., એસઆરપી, સહિતની એજન્સીઓના અધિકારીશ્રી પણ જોડાયા હતા. જેથી આપત્તિ સમયે સંકલન અને એકસૂત્રતા સાથે કામગીરી હાથ ધરી શકાય.
ખાસ કરીને પૂરની સ્થિતિમાં કોવીડ-૧૯ પોઝીટીવ, શંકાસ્પદ, હોમ આઈસોલેશનમાં અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોનુ સ્થળાંતર કરવાની પરિસ્થિત ઉભી થાય ત્યારે, કેવી રીતે બચાવ કામગીરી હાથ ધરવી, આ માટે એનડીઆરએફની વિશેષ રેસક્યુ ટીમ બનાવવામાં આવી છે. જે પીપીઈ કીટ અને જરૂરી મેડીકલ સાધનોથી સજ્જ હશે. તેમજ બચાવ કામગીરી દરમિયાન વપરાયેલા સાધનોનો યોગ્ય નિકાલ અને સાથે જ અન્ય સાધનોને વારંવાર ડિસઈન્ફેક્ટેડ કરવા માટે તકેદારી લેવામાં આવશે.
આ વર્ષે પૂરની સ્થિતિમાં બચાવ કામગીરી સામાન્ય કરતા અલગ પરિસ્થિતિ રહેવાની છે. કોરોના માહામારીના પગલે બચાવ કામગીરી દરમિયાન પણ સામાજિક અંતર જાળવવાનું રહેશે. સાથે જ રેસ્ક્યુ ટીમે મેડીકલ સાધનો, પીપીઈ કીટ, ફેસ માસ્ક, ગ્લોવ્ઝ સહિતના સાધનો સાથે કામગીરી કરવાની રહેશે. આ અંગે એનડીઆરએફના અધિકારીશ્રી દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરીને અને પીપીઈ કીટ કેવી રીતે પહેરવી તેનાથી વાકેફ કર્યા હતા. તેમજ આ પડકારજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગામી દિવસોમાં તાલુકા સ્તરે અધિકારી-કર્મચારીઓને વધુ સઘન તાલીમ પણ આપવામાં આવશે. ઉપરાંત કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે આ પરિસ્થિતને પહોંચી વળવા માટે એક મોકડ્રીલ યોજવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. જેથી વાસ્તવિક સ્થિતિમાં યોગ્ય રીતે બચાવ કામગીરી હાથ ધરી શકાય.
ખાસ કરીને સગર્ભા મહિલાઓ, વયોવૃદ્ધો અને બાળકોની બચાવ કામગીરીમાં વિશેષ કાળજી લેવી અનિવાર્ય બની જાય છે. ત્યારે ગ્રામ્ય સ્તરે પણ લોકોને આ પરિસ્થિતિમાં કંઈ રીતે તંત્રને સહયોગ રૂપ બની શકે માટે તે માટે સ્વયંસેવકોના માધ્યમથી જાગૃત કરવામાં આવશે. ઉપરાંત સ્થળાંતર બાદ લોકો વચ્ચે સામાજિક અંતર જળવાઈ તે માટે સામાન્ય, શંકાસ્પદ, કોરોના સંક્રમિત એમ ત્રણ કેટેગરીના શેલ્ટર હોમ બનાવવામાં આવશે. આમ, ડબલ ડિઝાસ્ટરની સ્થિતિમાં કોરોના સંક્રમણથી બચી શકાય તે માટે તમામ તકેદારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, જિલ્લા પોલીસ વડા શ્રી સુધીર દેસાઈ, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, પ્રાંત અધિકારી શ્રી વિજય પટ્ટણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.