ચોમાસા પૂર્વે ૧૪૫ થી વધુ જોખમી મકાનોને ઉતારી લેવા નગરપાલિકાની નોટીસ

ભરૂચ નગરપાલિકા ચોમાસા પૂર્વે એક્શનમાં ૧૪૫ થી વધુ જોખમી મકાનોને ઉતારી લેવા નગરપાલિકાની નોટીસ.
નોટીસના પગલે કેટલાક મકાન માલિકોએ મકાનો ઉતારી લીધા : પાલિકા ત્રણ નોટિસ આપ્યા બાદ પણ અમલ નહીં થાય તો પગલાં ભરશે.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ નગરપાલિકા ચોમાસા પૂર્વે એક્શનમાં આવી ભરૂચ શહેરમાં જર્જરિત બનેલા જોખમી ૧૧૯ થી વધુ મકાનોના માલિકોને ચોમાસા પૂર્વે મકાનો ઉતારી લેવાની નોટીસ આપી છે. ભરૂચ નર્મદા નદીના કિનારે વસેલું પ્રાચીન શહેર છે.જેના કારણે ભરૂચમાં અનેક મકાનો અને ઈમારતો વર્ષો પુરાણી છે.જેમાંથી કેટલીક જોખમી ઈમારતો હોય દર વર્ષે ચોમાસા દરમ્યાન આમાંથી કેટલીક ઈમારતો ધરાશયી થવાના બનાવો પણ બને છે અને જાનહાની પણ થાય છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વ આવા જોખમી મકાનો નો સર્વે કરવામાં આવ્યા બાદ જોખમી લાગતી ૧૧૯ જેટલી જર્જરિત ઈમારતોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા આ વર્ષે પાલિકાએ નોટીસ આપી છે.
ભરૂચ શહેરમાં બંધ હાલતમાં કે વપરાશમાં રહેલી જર્જરિત ૧૧૯ ઈમારતોના માલિકોને નોટીસ પાઠવવામાં આવી હોવાનું જણાવી ચોક્કસ સમય મર્યાદામાં મકાનોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા માટે મકાન માલિકોને નોટીસ આપવા સાથે અખબારોમા પણ જાહેરાત આપી તાકીદ કરવામાં આવી હોવાનું નગર પાલિકાના ચીફ ઓફિસર દશરથભાઈ ગોહિલે જણાવી જણાવી આ જર્જરિત મકાનો ના માલિકોને ચોમાસા પૂર્વેની કામગીરી ના ભાગરૂપે કાર્યવાહી કરવા અપીલ કરી છે.
જેનો અમલ ન થાય તો ત્રણ નોટિસ આપ્યા બાદ આવા મકાન માલિકો સામે કાર્યવાહીની પણ તૈયારી રાખવામાં આવી છે.તેમજ પાલિકાની જરૂરત હોય તો તે માટે સંપર્ક કરવા પણ કહ્યું હતું.જુના ભરૂચ માં રહેતા લોકો તેમના મકાનો ખાલી કરી સોસાયટી વિસ્તારોમાં વસી ગયા હોવાથી તેમના મકાનો ખાલી પડયા છે અથવા ભાડેથી આપવામાં આવ્યાં છે.
જુના ભરૂચના મોટા ભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં પડેલાં મકાનો જર્જરિત અને ખંડેર બની ગયા છેલ્લા કેટલાયે વર્ષો થી નગરપાલિકા આવા મકાન માલિકોને ઉતારી લેવા અથવા સુરક્ષિત કરવા નોટીસ આપે છે.પરંતુ આમ છતાં કેટલાક મકાન માલિકોના આ નોટિસોને ગણકારતા નથી.જેના કારણે આવા મકાનો ચોમાસામાં ધરાશાયી થાય ત્યારે આસપાસના માસુમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
પાલિકા દ્વારા આવા મકાન માલિકો સામે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી કરાય અને નોટીસ પાઠવ્યા બાદ તેનો અમલ પણ કરવામાં સતર્કતા રાખવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.