ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા, અનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા : રિપોર્ટ
નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ વચ્ચે શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર પોતાના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. સંસદના બે વરિષ્ઠ અધિકારીઓએ જાણકારી આપી છે કે 30 સાંસદ કોરોના સંક્રમિત માલુમ પડતા આ નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના કુલ કેસ 53 લાખને પાર થઈ ગયા છે. સંસદનું ચોમાસું સત્ર 14મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે. આ સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. જોકે, બંને અધિકારીઓનું કહેવું છે કે સંસદનું ચોમાસું સત્ર એક અઠવાડિયા સુધી ટૂંકાવવામાં આવી શકે છે.
સંસદ કાર્યવાહીમાં સામેલ બે અધિકારીઓમાંથી એક અધિકારીએ જણાવ્યું કે, “સત્ર શરૂ થતા પોઝોટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. આ કારણે સરકાર સત્ર વહેલા સમાપ્ત કરવા અંગે વિચારી રહી છે.” સરકારે શનિવારે સત્રનું કવરેજ કરવા માટે સંસદમાં પ્રવેશ કરતા પત્રકારો માટે દરરોજ એન્ટીજન ટેસ્ટ પણ ફરજિયાત કરી દીધો છે. લોકસભા અને રાજ્યસભાના સચિવાલયોએ સત્રના દિવસો ઘટાડવા અંગે જોડાયેલા સવાલનો હાલ કોઈ જવાબ આપ્યો ન હતો. જે સાંસદ કોરોના સંક્રમિત થયા છે તેમાં વડાપ્રધાન મોદીના કેબિનેટ મંત્રી નિતિન ગડકરી પણ સામેલ છે.