ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડુતોએ વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર
મેઘરજ: અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાની પ્રજા મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે આ વર્ષે ચોમાસામાં વધુ વરસાદ પડતા તાલુકાના ખેડુતોની ખેતી સંપુર્ણ નીષ્ફળ જતા તાલુકાના ખેડુતોની હાલત કફોડી બનતા ખેડુતોએ નિષ્ફળ નીવડેલ ખેતીનુ વળતર ચુકવવાની માંગ સાથે શુક્રવારના રોજ મેઘરજ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.
મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી અવિરત વરસાદ ખાબકતા તાલુકાના નદી,નાળા,તળાવો અને કુવા ઓવર ફ્લો થયા છે અને જમીનમાં ઠેર ઠેર પાણી ફુટી નીકળતા તાલુકાના ખેડુતોએ મોંઘા બિયારણો જેવા કે કપાસ,મગફળી,સોયાબીન,મકાઈ, કઠોળ તેમજ પશુઓ માટે કરેલ ઘાસચારાની ખેતી પણ પાણી ભરાય જવાના કારણે સંપુર્ણ પણે નીષ્ફળ નિવડતા ખેડુતોએ બિયારણ,ખાતર અને દવા પાછળ કરેલ તમામ ખર્ચનુ આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવતા ખેડુતોને પડતા પર પાટા જેવી સ્થિતિ નિર્માણ થતા તાલુકાના ખેડુતોને નીષ્ફળ નીવડેલ ખેતીથી મોટુ આર્થિક નુકશાન થયુ છે
જે સંદર્ભે તાલુકાના ખેડુતોએ નિષ્ફળ ગયેલી ખેતીનુ સરકાર ધ્વારા તાત્કાલિક સર્વે કરાવી વળતર ચુકવવા અને પાક વીમો જાહેર કરવા તેમજ ચાલુ વર્ષે લીધેલ ખેડુતોનુ ધીરાણ માફ કરવાની અને જો તાકીદે વળતર ચુકવવામાં આવેતો ખેડુતો તે વળતરમાંથી શીયાળુ વાવેતર કરી શકે તેવી માંગ સાથે મેઘરજ મામલતદાર વી.કે.પટેલને તાલુકાના ખેડુતોએ આવેદનપત્ર પાઠવી આવેદનની વિગતો ઉચ્ચ કક્ષાએ મોકલવા ભલામણ કરી છે.