ચોર શિષ્યને ગુરૂની શિક્ષાઃ ત્રણ મુઠ્ઠી તલ ખાધેલા, તેના પીઠ પર ત્રણ ફટકા
પૂર્વસમયમાં વારાણસીમાં બ્રહ્મદત્ત રાજા રાજય કરતો હતો. તેને બ્રહ્મદત્તકુમાર નામનો પુત્ર હતો. પ્રાચીન કાળમાં રાજાઓ પોતાના પુત્રોને નગરમાં પ્રસિદ્ધ આચાર્યો હોવા છતાં દૂર પરદેશમાં શિલ્પ શીખવા મોકલતા હતા, જેથી તેનું અભિમાન દુર થાય, શરદી-ગરમી સહન કરવાનું સામર્થય પ્રાપ્ત થાય અને એ રાજપુત્ર લોકવ્યવહારનો જ્ઞાતા બને. આ રાજાએ પણ પોતાના સોળ વર્ષના પુત્રને બોલાવી એક જોડ જાડા, છત્રી અને એક હજાર કાર્ષાપર્ણ (પ્રાચીનકાળમાં સિકકા) આપ્યા અને કહ્યુંઃ ‘ હે પુત્ર ! તક્ષશિલા જઈને વિધા પ્રાપ્ત કરી આવ.’
રાજપુત્ર ‘સારું’ કહીને તક્ષશીલા ગયો અને આચાર્ય અભ્યાસ કરાવતા હતા ત્યાં જઈને, પગમાંથી જોડા ઉતારી છત્રી વાસી બાજુ પર મુકી અને આચાર્યને પ્રણામ કરીને ઉભો.
આચાર્યે તેને થાકેલો જાણેને તેનું સારી રીતે આતિથ્ય કર્યું. ભોજન બાદ રાજપુત્ર આચાર્યને મળ્યો. આચાર્યે પૂછયું બેટા, તું કયાંથી આવે છે ?’
ઉત્તર મળ્યોઃ ‘વારાણસીથી.’
‘કોનો પુત્ર છે ?’
‘વારાણસીના રાજાનો.’
‘ શા માટે આવ્યો છે ?’
‘શિલ્પ શીખવા માટે.’
‘આચાર્ય ભાગ -ફી લાવ્યો છે કે ધર્મશિષ્ય બનવા માગે છે ?” આચાર્ય ભાગ લાવ્યો છું એમ બોલી રાજપુત્રે હજારની થેલી ગુરુનાં ચરણોમાં મુકી. ધર્મશીષ્યો દિવસે આચાર્યનું કામ કરતા અને રાત્રે શિલ્પ શીખતા હતા. જયારે આચાર્ય-ભાગ આપનારા શિષ્યો ઘરમાં મોટાપુત્રની માફક રહીને કેવળ શિલ્પ શીખતા હતા. આચાર્યે યોગ્ય સમય જાઈને શિલ્પ શીખવવાની શરૂઆત કરી દીધી.
શિલ્પ શીખી રહેલ શિષ્ય-રાજકુમાર એક દિવસ આચાર્ય સાથે સ્નાન કરવા ગયો. એક વૃદ્ધા તલ સાફ કરીને ખળામાં પાથરી ચોકી કરતી બેઠી હતી. આવા સાફ કરેલા તલ જાને રાજપુતે એક મુઠી ભરી ઉઠાવ્યા અને ખાઈ નાખ્યા. વૃદ્ધાએ વિચાર્યું કે, આ શિષ્ય લોભી છે. એ કશું બોલી નહી,ચુપ રહી. રાજપુત્રે બીજે દિવસે પણ તે પ્રમાણે જ તલ ઉઠાવ્યા અને ખાધા.બીજે દિવસે પણ વૃદ્ધા કાંઈ ન બોલી. પણ ત્રીજે દિવસે તલ ઉઠાવ્યા કે તરત જ વૃદ્ધાએ કકળાટ કરી મૂકયો કે, ‘આ પ્રસિદ્ધ આચાર્ય પોતાના શિષ્યો દ્વારા મને લુંટી રહયા છે.’ આચાર્યે પાસે જઈને પૂછયુંઃ ‘માજી ! આવી રીતે કેમ રડો છો ?’
‘આચાર્ય દેવ ! તમારા શિષ્યે મારા સાફ કરેલા તલમાંથી આજે એક મુઠી તલ ખાધા, ગઈકાલે પણ ખાધેલા અને પરમ દિવસે પણ એક મૂઠી ખાધેલા. શું આ રીતે, ખાતાં ખાતાં મારા બધા તલ એ સફાચટ નહી કરી જાય ?’
‘માજી, રડો નહી, હું તમને તેની કિંમત ચુકવીશ.’
‘આચાર્યજી ! મારે મૂલ્ય નથી જાઈતું. આ કુમારને એવી શિક્ષા કરો કે ફરીવાર આવુંકદી કરે નહી.’
‘માજી ! જુઓ ત્યારે’ એમ કહીને આચાર્યે બે શિષ્યો દ્વારા રાજકુમારને પકડાવી મંગાવ્યો અને લાકડીના ત્રણ ફટકા ફટાફટ તેની પીઠ પર લગાવી દીધા. ત્રણ મુઠ્ઠી તલ ખાધેલા, તેના બરાબર ગણીને ત્રણ ફટકા. આ સમયે રાજકુમાર લાલ આંખો કરીને આચાર્યને પગથી માથા સુધી જોઈ રહયો હતો. એની ક્રોધભરી આંખો જાણે કહી રહી હતીઃ ‘જોઈ લઈશ.’
રાજકુમારે વિચારેલું કે, વિધા સમાપ્ત થતાં આચાર્યને મારા રાજયમાં આમંત્રણ આપી બોલાવીશ અને મરાવી નાખીશ. એમ વેર લઈશ. એટલે ભણી રહયા પછી ગુરુને પ્રણામ કરી નમ્રતાપૂર્વક કહ્યુંઃ ‘આચાર્યજી, હું વારાણસી પહોચીને રાજય પ્રાપ્ત થતાંજ આપને બોલાવા માણસો મોકલીશ. તમે જરૂ પધારશો. આજી રીતે વચન લઈ તે વારાણસી ગયો. એના પિતાએ વિચાર્યુંઃ ચાલો મારા દેખતાં પુત્રને વિધાવાળો જાયો. હવે જીવતાં જ તેને રાજશ્રી પણ સોપી દઉં. રાજાએ રાજપુત્રને રાજય સોપી દીધું.
રાજશ્રીનો ઉપયોગ કરતાં રાજકુમારને આચાર્યે લાકડીના ત્રણ ફટકા લગાવેલા તે યાદ આવ્યા કરતા. તે ક્રોધિત થઈ વિચારતોઃ આચાર્યને મરાવી નાખીશ.’ આચાર્યને બોલાવવા દૂત મોકલ્યો.આચાર્યે વિચાર્યું કે, આ યુવાન રાજાને હું હમણાં સમજાવી શકીશ નહી. પણ રાજા પ્રૌઢ થશે ત્યારે સમજાવી શકીશ.એટલે ગયા નહી.થોડાં વર્ષો પછી આચાર્ય વારાણસીમાં ગયા. આચાર્યને જોઈને રાજાએ કહ્યુંઃ જે સ્થાન પર તમે મને લાકડીથી ફટકાર્યો હતો તે સ્થાને હજુ પણ મને દુખાવો થાય છે. તમને તમારું મૃત્યુ જ અહી લાવ્યું છે. તે નકકી જાણી લો.’
આચાર્ય કહ્યુંઃ ‘ જે આર્ય અનાર્ય-કામ કરનારને અનુશાસનમાં લાવવા જે શિક્ષા કરે છે તેને પંડિતજન એ આર્યનાં કર્મને વેર કહેતા નથી.’