ચોરીની ઘટના કે અન્ય ગુનાઓ માટે આ ઓનલાઈન એપ પર સીધી ફરિયાદ નોંધાવી શકાશે

તર્કશ એપ્લિકેશનમા બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ,લો એન્ડ ઓર્ડર, કોર્ટની કાર્યવાહીની વિગતો, ગુનેગારની વિગતો જેવી પોલીસ વિભાગ સાથે સંકળાયેલી અનેક કામગીરીની વિગતો આપવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘તર્કશ એપ્લિકેશન’, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું ગૃહમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી, અમદાવાદ ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ તર્કશ એપ્લિકેશન, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત શાંતિ,સલામતી અને સુરક્ષા માટે સમગ્ર દેશમાં અવ્વલ નંબરે છે
ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘તર્કશ એપ્લિકેશન’ના માધ્યમથી પોલીસ વિભાગની કામગીરી ખુબ ઝડપથી અને સરળતાથી કરી શકાશે. નાગરિકો પણ ભવિષ્યમાં પોતાને થયેલા અન્યાય અને ચોરીની ઘટના કે અન્ય ગુનાઓ માટે આ એપ પર સીધી ફરિયાદ નોંધાવી શકશે. જન સહયોગથી વિકાસની ગતિ તીવ્ર ગતિએ આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
દેશ વિદેશનાં અનેક રોકાણકારોએ ગુજરાતમાં ઉધોગોમાં રોકાણ કરીને રોજગારીની અનેક તકો ઊભી કરી છે. ટેકનોલોજી આધારિત તર્કશ એપ્લિકેશનથી પોલીસ વિભાગની કામગીરીનું ભારણ ઓછું થશે અને પોલીસ જવાનોને તેમના પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાનો અવસર પણ સાંપડશે.
ગુજરાત પોલીસની કામગીરી એ સમગ્ર દેશ માટે રોલમોડેલ બને તેને સાકાર કરવામા રાજય અને શહેરની પોલીસ સતત કાર્યરત છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે તર્કશ એપ્લિકેશનમા બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ,લો એન્ડ ઓર્ડર, કોર્ટની કાર્યવાહીની વિગતો, ગુનેગારની વિગતો જેવી પોલીસ વિભાગ સાથે સંકળાયેલી અનેક કામગીરીની વિગતો આપવામાં આવી છે.
જેનાથી પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી વધુ ઝડપથી અને સરળતાથી પાર પડી શકશે. ગુનેગારને ઝડપી પાડવામાં પણ આ એપ્લિકેશન ખુબ ઉપયોગી સાબિત થશે.તથા કોર્ટ સાથે સંકલન થવાથી પેપરલેસ કામગીરી થશે. દરેક નાગરિક પણ પોતાના ખોવાયેલા મોબાઈલ, સામાન, કે ચોરી થવા જેવા સમયે આ એપ્લિકેશન પર ફરિયાદની એન્ટ્રી કરી શકશે. ખરા અર્થમાં”પોલીસ પ્રજાનો મિત્ર” એ સૂત્રને અમદાવાદ શહેર પોલીસ સાર્થક કરે છે.
આ પ્રસંગે કોરોના સમય દરમિયાન ઉધોગ અને વેપાર ધંધા સાથે સંકળાયેલી અનેક નામી અનામી સંસ્થાઓ અને હોદેદારોએ પોલીસ વિભાગના સંકલનમાં રહીને મેડિકલ સારવાર તથા ભોજન અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે કાર્ય કર્યું હતું તેવા મહાનુભાવોનું આ પ્રસંગે મંત્રી શ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, અમદાવાદના મેયર શ્રી કિરીટકુમાર પરમાર, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.