સુરતમાં ઘરઘાટી તરીકે કામ મેળવી ચોરી કરતો ગુનેગાર વિદર્ભથી ઝડપાઈ ગયો
સુરત: ઘરઘાટી તરીકે કામ મેળવીને મોટા વેપારીઓના ઘરમાંથી ચોરી કરતો રીઢો ગુનેગાર મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા અમરાવતીમાંથી પકડાયો. જયંતિલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલ ૨૦મી ઓક્ટોબરે શહેરમાં ડાઈંગ મિલના માલિક રાધેશ્યામ ગર્ગના ઘરમાંથી ૬ લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ઓસ્વાલ ચોરી કરીને એસ.ટી બસમાં બેસી વાપી પહોંચી ગયો, અહીંથી તે નંદુર્બાર અને પછી અમરાવતી જતો રહ્યો. માલિકના બંગલોમાંથી ચોરી કરેલા ૬ લાખ રૂપિયામાંથી અમુક રકમ તેણે વાપીની બે બેંકોમાં જમા કરાવી હતી,
જ્યારે ૧.૪૪ લાખ રૂપિયા પોતાની પાસે મસાની ટ્રિટમેન્ટ કરાવવા રાખ્યા હતા. ક્રાઈમબ્રાન્ચના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે તેને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સથી ટ્રેક કર્યો અને ઝડપી લીધો. તેને સરળતા અને ઝડપથી પૈસા કમાવવા માટે ચોરીની ટેવ પાડી હતી. ગર્ગના ઘરમાં આ ચોરીનો ૧૦મો બનાવ હતો, જેમાં ઘરઘાટીની ધરપકડ થઈ. ઓસ્વાલે ઘરઘાટી તરીકે બિઝનેસમેનના ઘરમાં કામ મેળવીને ૧૨મી વખત ચોરી કરી હતી. ચોરીની ઘટનામાં તેણે સૌથી પહેલા લોકરની ચાવી ચોરી કરી,
આ બાદ સાડીની વચ્ચે છુપાવેલા લોકરમાંથી કેશની ચોરી કરી, પરંતુ દાગીના ચોરી નહોતા કર્યા. આ પહેલા ઓસ્વાલ શહેરના અન્ય પોલીસ સ્ટેશનોમાં ધરપકડ થઈ ચૂકી છે. જેમા ઉમરા પોલીસ સ્ટેશન મુખ્ય છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, તે મુખ્ય રીતે અગરવાલ કે જૈન સમાજના બિઝનેસમેનને ટાર્ગેટ કરતો હતો, જેથી મોટી રકમ મળી શકે. ઓસ્વાલ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલા ડેચુ ગામનો વતની છે.
તમને જણીને નવાઈ લાગશે કે, ચોરીની દરેક ઘટનાને અંજામ આપ્યા બાદ ઓસ્વાલ પોતાના પાપમાંથી મુક્તિ માટે ભગવાનના મંદિરમાં જતો હતો. તે અમદાવાદ અને અન્યસ્થળોના મંદિરની મુલાકાતે પણ જતો હતો. કેટલાક કેસોમાં પોલીસને મંદિરના લોકરમાંથી પણ ચોરી કરેલી કિંમતી વસ્તુઓ મળી આવી છે.
જયંતિલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલ સૌથી પહેલા કરોડપતિ વેપારીના અન્ય કર્મચારીઓના ડ્રાઈવરનો વિશ્વાસ કેળવતો અને તેમની સાથે મિત્રતા કરતો. આ બાદ તેમને નોકરી માટે પૂછતો. પોતાના સારા વર્તનના કારણે તેને મોટાભાગના સ્થળોએ નોકરી મળી જતી હતી. પાસા હેઠળ સાત જેટલા મહિના જેલમાં વિતાવ્યા બાદ જયંતિલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલે આખું લોકડાઉન શહેરમાં વિતાવ્યું હતું. તેને કોઈ કામ નહોતું મળ્યું અને તે અનુવ્રત દ્વાર ફ્લાયઓવર બ્રિજની નીચે જ રહેતો હતો. મસાની સમસ્યાથી પીડાતા ઓસ્વાલે સામાજિક સંગઠનો દ્વારા વહેંચવામાં આવતા ફૂડ પેકેટ્સ પર જીવતો રહ્યો હતો.