Western Times News

Gujarati News

ચોરોને દિવાળીઃ એક જ દિવસમાં પાંચ ઘરફોડ ચોરીની ફરિયાદઃ લાખોની મત્તાની ચોરી

અમદાવાદ : અમદાવાદ શહેર જાણે કોઈપણ સુરક્ષા વગર રેઢું પડ્યું હોય એમ પ્રતિત થઈ રહ્યું છે. શહેર લુંટ અને ચોરીની ઘટનાઓનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જ્યારે પોલીસનાં હાથ આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યાં છે. પોલીસની આ નિષ્ક્રિયતાને કારણે બેફામ બનેલાં તસ્કરો વધુને વધુ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. આ પરિસ્થિતિમાં  ગુરૂવારે એક જ દિવસમાં ઘરફોડ ચોરીની પાંચ ઘટના સામે આવતાં સનસનાટી મચી છે. આ તમામ ઘટના ઈસનપુર, ખોખરા, નિકોલ, સોલા તથા ચાંદખેડામાં નોંધાઈ છે.

સૌ પ્રથમ ઘટના ચાંદખેડાનાં તેજેન્દ્રનગર વિભાગ-૭માં બની છે. મકાન માલિક અનીતા બેન શર્મા (૪૫)ના જણાવ્યા મુજબ ૨૯ ઓક્ટોબરે પોતે સંતાનો સાથે માતા પિતાનાં ઘરે મોટેરા ખાતે તહેવારની ઊજવણી કરવા ગયા હતા. જ્યાંથી ગુરૂવારે સવારે પરત મકાનનાં તાળાં તુટેલાં જાયા હતા. જેથી ઘરમાં તપાસ કરતાં બે રૂમની તિજારીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને કુલ રૂપિયા દોઢ લાખથી વધુનો મુદ્દામાલ ગાયબ હતો.

ઈસનપુરમાં વિશાલનગરમાં આવેલી તપોભૂમિ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ૬૨ વર્ષીય વૃદ્ધ ખુશાલભાઈ દેવજી પરમાર ગઈ તા.૨૯મીએ પત્ની સાથે નિરમા યુનિવર્સિટી ખાતે આવેલાં બીજા ઘરે ગયા હતાં. જ્યાંથી ગુરૂવાર સાંજે ચાર વાગ્યે પોતાનાં ઘરે પરત ફરતાં દરવાજાનાં નકુચા તુટેલાં જણાયા હતા. ગભરાયેલાં ખુશાલભાઈએ તિજારી તપાસતાં તેનાં પણ લોક તોડીને તસ્કરો સોના-ચાંદીના દાગીના ઊપરાંત રોકડ તથા દસ્તાવેજા મળીને કુલ રૂપિયા એક લાખ ૬૫ હજારથી વધુની મત્તા ચોરી ગયા હતાં.

જ્યારે ખોખરાની અમરજ્યોતિ સોસાયટીમાં રહેતાં દેવાંગભાઈ શાહએ ફરીયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સો તેમનાં દરવાજાનાં તાળાં તોડીને ઘરમાં ઘુસ્યા હતા તથા તિજારીમાં મુકેલાં રોકડા ૬૨,૦૦૦ તથા સોનાનાં ઘરેણાં તથા ચોરીનાં વાસણો સહિત ૭૦ હજારથી વધુની મત્તા ચોરી ગયા હતા. આ ઘટનાની જાણ તેમને પાડોશી દ્વારા થઈ હતી.
અમીતભાઈ રમેશભાઈ ટીકે (૪૪) આસ્થા બંગ્લોઝ, નિકોલ હરીદર્શન રોડ ખાતે રહે છે. દિવાળીનાં તહેવાર દરમિયાન તે પોતાની સાસરી ખાતે સુરત ગયા હતા

એ સમયે ચોરો તેમની બારીની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશીને મોંઘી ઘડિયાળો, મંગળસૂત્ર, ચેઈન સહિતનાં ઘરેણાં તથા અમીતભાઈ તથા તેમનાં પત્ની અને પુત્રનાં પાસપોર્ટ પણ ચોરી ગયા હતા. આ અંગે અમીતભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કુલ ૧,૬૩,૦૦૦ની મત્તા ચોરીની ફરીયાદ નોંધાવી છે.

જ્યારે થલતેજ ખાતે આવેલાં એસ.જી.મોલમાં આવેલી પ્લાનેટ હેલ્થ નામની દવાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને કાઊન્ટરમાંથી રૂપિયા ૪૫ હજારની રોકડની ચોરી કરી હતી. જેની ફરીયાદ મેનેજરે સોલા પોલીસમાં નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.