ચોવીસ કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ ૪૮૨૧ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ ૧૨૫૫૩ નવા કેસ નોંધાયા- સુરતમાં સૌથી વધુ ૨૫ લોકોએ જીવ ગુમાવ્યા
ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે અને તેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં કોઈ નોંધપાત્ર વધારો થઈ રહ્યો નથી. જેના કારણે રાજ્યમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૧૨,૫૫૩ નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે ૪૮૦૨ દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં રીકવરી રેટ ૭૯.૬૧ ટકા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ ૩,૫૦,૮૬૫ લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯થી ૧૨૫ દર્દીઓના મોત થયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૮૪,૧૨૬ પર પહોંચી છે. જેમાંથી ૩૬૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ૮૩,૭૬૫ દર્દીઓ સ્ટેબલ છે. ૧૨૫ લોકોના મોત સાથે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક ૫૭૪૦ પર પહોંચી ગયો છે. રાજ્યમાં સુરતમાં સૌથી વધુ ૨૫ અને અમદાવાદમાં ૨૨ લોકોના મોત થયા છે.
રાજ્યમાં અમદાવાદની પરિસ્થિતિ વિકટ બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૪૮૨૧ નવા કેસ નોંધાયા હતા જેની સામે ૯૧૯ દર્દીઓ સાજા થયા છે. જ્યારે સુરત શહેરમાં કોરોનાના ૧૮૪૯ અને સુરત જિલ્લામાં ૪૯૧ નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૪૭૫, રાજકોટ શહેરમાં ૩૯૭ તથા જામનગર શહેરમાં ૩૦૭ નવા કેસ નોંધાયા છે.
અત્યાર સુધી રાજ્યમાં ૯૦,૯૩,૫૩૮ લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે જ્યારે ૧૬,૨૨,૯૯૮ લોકોએ બીજા ડોઝનું રસીકરણ પુરૂ કર્યું છે. અત્યાર સુધી કુલ ૧,૦૭,૧૬,૫૩૬ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને કોરોના વેક્સીનની કોઈ ગંભીર આડઅસર જાેવા મળી નથી.