છઠ્ઠી ફેબ્રુ.એ ખેડૂતોની ચક્કાજામની જાહેરાતથી પોલીસ કાફલો વધારાયો
નવી દિલ્હી, કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધુ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.
ખેડૂત સંગઠનોએ ૬ ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે. ખેડૂતોના ચક્કાજામ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું કે આપણે ખેડૂતોના સમર્થનમાં દેશભરમાં શનિવારે ૬ ફેબ્રુઆરીએ ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ખેતરમાંથી નિકળીને રસ્તા પર બેસવું પડશે. તમામ રાજકીય પક્ષો જે ખેડૂત બિલોનો વિરોધ કરી રહ્યા છે તેમણે આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા તમામ કાર્યકર્તાઓને અપીલ કરવી જાેઈએ.
દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.
દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.
આંદોલનકારી ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા બાદ દિલ્હી બોર્ડર ખેડૂતો અને સરકાર વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે તો, બીજી તરફ સરકાર પણ સુરક્ષાના મુદ્દે અહીં કડક વ્યવસ્થા વધારી રહી છે. એવામાં ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે એલાન કર્યું હતું કે ખેડૂત આંદોલન ઓક્ટોબર પહેલા ખતમ નહીં થાય, કિસાન નેતાએ સરકાર વિરુદ્ધ નવો નારો પણ આપ્યો હતો કે, કાનૂન વાપસી નહીં તો ઘર વાપસી પણ નહીં.
કિસાન યૂનિયન નેતા ટિકૈતનું કહેવુ હતું કે ખેડૂતોના વિરોધ રાજકીય નથી અને અહીં કોઇપણ રાજકીય દળના નેતાને મંચ પર સ્થાન કે માઇક આપવામાં આવ્યું નથી. પ્રદર્શનકારી ખેડૂતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. જાેકે પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલન વધુ ધારદાર બન્યુ હતું, જેમાં વિપક્ષ નેતાઓ પણ ખેડૂત યૂનિયન નેતાઓની સતત મુલાકાત લઇ રહ્યા છે. મંગળવારે શિવસેના નેતા સંજય રાઉતે પણ ગાજીપુર સરહદ પર ખેડૂત નેતાની મુલાકાત લીધી હતી. સંજય રાઉતે પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાને લઇને પ્રતિક્રિયા આપી હતી કે ખેડૂત આંદોલનને દબાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને ખેડૂતો સાથે ઉભા રહેવા અને સમગ્ર મહારાષ્ટ્ર, શિવસેના અને ઉદ્ધવ ઠાકરે તરફથી આંદોલનને સમર્થન આપવુ અમારી જવાબદારી બને છે.SSS