Western Times News

Gujarati News

છતીસગઢથી અમદાવાદમાં વેચવા લાવેલા આઠ કિલો ગાંજા સાથે એકની અટક

એસઓજી ક્રાઈમની બાતમીને આધારે કાર્યવાહી ઃ શખ્સની વધુ પુછપરછ ચાલુ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોનું સેવન કરતાં યુવાનોની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. નશીલા દ્રવ્યોની માંગ વધતા ખેપિયાઓએ હવે ગુજરાતમાં તથા અમદાવાદમાં માલ વધારવાનું શરૂ કર્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ પોલીસને દરોડા દરમિયાન ઓછો જથ્થો મળતો હતો જેને બદલે છેલ્લાં કેટલાક સમયથી પાંચ-દસ કે પંદર કિલોના ગાંજાના પેકેટ અથવા લાખો કરોડો રૂપિયાની કિંમતના અન્ય નશીલા દ્રવ્યો મળી આવે છે.

જાકે શહેર ક્રાઈમ બ્રાંચની નજર આ સમગ્ર બાબત ઉપર હોવાથી નશીલા દ્રવ્યોના જથ્થા શહેરમાં ઘુસાડવામાં આવે ત્યાં જ ઝડપી લેવાય છે. હજુ થોડા દિવસ અગાઉ જમાલપુરના બે શખ્સોને ગાંજાના મોટા જથ્થા સાથે વટવામાંથી ઝડપ્યા બાદ ગઈકાલે વધુ એક શખ્સને શહેરકોટડામાંથી આઠ કિલોથી વધુના જથ્થા સાથે ઝડપી લેવાયો છે.

એસઓજીની ટીમ ગઈકાલે અમરાઈવાડી ખાતે પેટ્રોલિંગમાં હતી એ સમયે ગાંજાના જથ્થા સાથે એક ઈસમ મોટર સાયકલ ઉપર હંજર સિનેમાથી શહેર કોટડા પોલીસ સ્ટેશન તરફ જવાનો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમના તમામ સભ્યો એએમટીએસ મીટર ગેજ રેલવે સ્ટેશન નજીક આવેલા બસ સ્ટેન્ડની આસપાસ ગોઠવાઈ ગયા હતા

બપોરે એક વાગ્યાના સુમારે બાતમી મુજબનો શખ્સ દેખાતાં તેને ઝડપી લેવાયો હતો તથા બેગ ચેક કરતાં તેમાંથી આઠ કિલોથી વધુ રૂપિયા સવા લાખની કિંમતનો ગાંજા મળી આવ્યો હતો જેથી ક્રાઈમબ્રાંચની ઓફીસે લાવી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી.

પ્રાથમિક માહીતી અનુસાર આ શખ્સનું નામ અબ્દુલ મજીદ અબ્દુલ રહેમાન શેખ (ઉ.વ.ર૬) છે જે ભઠીયાર ગલી રાજપુર, ગોમતીપુરનો રહેવાસી છે અને પોતે આ ગાંજાનો જથ્થો છત્તીસગઢના રાયપુર ખાતેથી સરવન નામના શખ્સ પાસેથી લાવીને શહેરમાં છુટકમાં વેચવાનો હોવાનું કબુલ્યું હતું. ક્રાઈમબ્રાંચે તેનો મોબાઈલ તથા અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી છે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ જ ગાંજાનો જથ્થો પકડાયા બાદ ક્રાઈમબ્રાંચના પીઆઈ બારડ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોટેભાગે ગાંજાનો જથ્થો ઓરીસ્સા ખાતેથી ગુજરાતમાં આવે છે એ સિવાય રાજસ્થાન તથા અન્ય રાજયોમાંથી પણ આવે છે. ઓરિસ્સામાંથી અન્ય સામાનની આડમાં લવાતો ગાંજાનો મોટો જથ્થો સુરત ખાતે ઠલવાય છે. બાદમાં ત્યાંથી ગુજરાતના નાના મોટા શહેર તથા ગામડાઓમાં પણ પહોંચાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પકડાતા ગાંજાના જથ્થાના મુખ્ય સેન્ટર તરીકે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારનું નામ અવારનવાર સામે આવતું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.