છત્તિસગઢના સ્વાસ્થ્યમંત્રી ગૃહમાંથી વોકઆઉક કરી ગયા
રાંચી: કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. પંજાબ અને રાજસ્થાનમાં આંતરિક કલહ માંડ શાંત થયો હોય તેમ લાગે છે ત્યાં તો છત્તીસગઢમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે લગાવેલા આરોપો બાદ હવે સ્વાસ્થ્ય મંત્રી ટી એસ સિંહ દેવ પણ આર પારની લડાઈ લડવા માંગતા હોય તેમ લાગી રહ્યુ છે. વિધાનસભામાં થયેલા હંગામા વચ્ચે ધારાસભ્યે ટી એસ સિંહ દેવ પર પોતાની હત્યાનુ કાવતરૂ ઘડવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપે આ મામલાની તપાસની માંગ કરી હતી. બીજી તરફ પોતાની જ સરકાર સામે મોરચો ખોલીને સ્વાસ્થ્ય મંત્રી ટી એસ સિંહ દેવે આજે વિધાનસભામાંથી વોકકાઉટ કર્યો હતો. એ પહેલા તેમણે નિવેદન આપ્યુ હતુ કે, મારા પર જે આરોપ લાગ્યો છે તે અંગે સરકાર તરફથી કોઈ નિવેદન નહીં આવે ત્યાં સુધી હું ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માટે યોગ્ય નથી તેવુ માનુ છું અને એ પછી તેઓ વોકઆઉટ કરીને ઘરે જવા નીકળી ગયા હતા.
સ્વાસ્થ્ય મંત્રી આજે દિલ્હી જઈને ટોચના નેતાઓને મળી શકે છે તેવુ સૂત્રોનુ કહેવુ છે. કોંગ્રેસના ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે આ પહેલા આરોપ લગાવ્યો હતો કે, સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવ મારી હત્યા કરવા માંગે છે. જેના પર મંત્રીએ કહ્યુ હતુ કે, કદાચ આવેશમાં આવીને ધારાસભ્ય આવુ બોલી ગયા હશે. એ પછી કોંગ્રેસ પ્રભારી પી એલ પુનિયાએ બંને પક્ષો સાથે મુલાકાત કરીને વિવાદ પૂરો થઈ ગયો હોવાની જાહેરાત કરી હતી પણ એવુ લાગે છે કે, સ્વાસ્થ્ય મંત્રીએ ફરી મોરચો ખોલીને સીધો સરકાર પર જ હુમલો કર્યો છે.