છત્તીસગઢઃ ઝેર પીવડાવી ૨ હાથીને મોતને ઘાટ ઉતારાયા
નવી દિલ્હી, કેરળમાં એક ગર્ભવતી હાથિનીના મોતના થોડાક દિવસો પછી છત્તીસગઢમાં બે હાથીઓને કથિત રીતે ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આમાં એક હાથણી ગર્ભવતી હતી તેવું કહેવાય છે. છત્તીસગઢના પ્રતાપપુર રેન્જના ગણેશપુર ગામમાં આ ઘટના બની હતી. જંગલ વિભાગના સિનિયર અધિકારીઓને જણાવ્યાનુસાર ગર્ભવતી હાથણીનું મંગળવારે મોત થયું હતું. તેના પર પોસ્ટમોર્ટમ થઇ ગયું છે. બીજી હાથણી બુધવારે મોતને ભેટી હતી. એવું લાગે છે કે બન્ને હાથીઓ એક જ જૂથના હતા અને તેમને ઝેર આપીને મારી નખાયું છે.
જોકે પોસ્ટ-મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ કારણ જાણી શકાશે તેમ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે ‘એવું લાગે છે કે વિસ્તારના એકમાત્ર તળાવમાં જાણીજોઇને ઝેર નખાયું હતું અને હાથીઓએ એ તળાવનું પાણી પીધું હતું અને મોતને ભેટ્યા હતા.’ ઉલ્લેખનીય છે કે કેરળમાં દારૂખાનું ભરેલું અનાનાસ ખવડાવીને એક હાથિનીના મોતને મામલે સમગ્ર દેશમાં ભારે હોબા?ળો થયો હતો. એ પછી બે હાથીઓના મોત થતાં આ મામલો વધુ ગરમ બને તેવી શક્યતા છે.