છત્તીસગઢમાં એક જ પરિવારના ૫ સભ્યોના મૃતદેહ મળ્યા
રાંચી: છત્તીસગઢના દુર્ગમાં એક જ પરિવારના ૫ લોકોના મૃતદેહ મળ્યા છે. પિતા-પુત્રની લાશ જ્યાં એક દોરડા પર લટકતી હતી ત્યારે માતા અને બે દિકરીઓના અડધા સળગી ગયેલા મૃતદેહ ઘરેથી આશરે ૫૦ મીટરના અંતર પર મળી આવ્યા. આ ઘટનાની માહિતી મળતા પોલીસ અને ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. એવી આશંકા છે કે મહિલાઓની હત્યા કર્યાં બાદ પિતા-પુત્રએ આત્મહત્યા કરી લીધી હશે.
આ ઘટના છત્તીસગઢના પાટન પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગામના રામબુજ ગાયકવાડ પરિવાર સાથે સંકળાયેલ છે. રામબુજના ત્રણેય ફોન સ્વીચ ઓફ આવતા હતા તો ભાઈએ મિત્રના ઘરે ફોન કર્યો રામબુજ ગાયકવાડ (૫૨ વર્ષ) ગામથી થોડા દૂર વાડીમાં એક મકાન બનાવી પરિવાર સાથે રહેતા હતા. ઘરમાં તેમની પત્ની જાનકીબાઈ (૪૫ વર્ષ), દીકરો સંજૂ (૨૫ વર્ષ), દીકરી જ્યોતિ (૨૨ વર્ષ) અને દુર્ગા (૨૮ વર્ષ) રહેતાં હતાં. શનિવારે રામબૃજના ભાઈ તેમના ત્રણ મોબાઈલ નંબર પર ફોન લગાવતા હતા, પણ તે સ્વીચ ઓફ આવતા હતા. ત્યારબાદ રામબૃજના ભાઈએ રામબૃજના મિત્ર લખન વર્માને ફોન લગાવ્યો અને જાેઈને આવવા કહ્યું. લખન બપોરે આશરે ૨.૩૦ વાગે ઘરે પહોંચ્યા તો રામબૃજ અને તેમના દિકરાને લટકતા જાેયા હતા.
ત્યારબાદ લખને આજુબાજુના લોકોને બોલાવ્યા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બન્નેના મૃતદેહ નીચે ઉતાર્યા હતા. આ દરમિયાન કોઈએ કહ્યું કે પૈરાવટમાં પણ મૃતદેહ પડ્યા છે. પોલીસે જઈને તપાસ કરી તો સળગેલી અવસ્થામાં ત્રણ મહિલાઓના મૃતદેહ હતા.ઓળખ કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે રામબૃજની પત્ની અને દિકરીઓ હતી. ઘટના મોડી રાત્રીની હોવાની શક્યતા છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે રામબૃજે અનેક લોકો પાસેથી ઉછીના નાણાં લીધા હતા. તેઓ દેવામાં હોવાથી લેણદારો તેમને પરેશાન કરતા હતા.
પોલીસને શંકા છે કે દેવાથી પરેશાન થઈ રામબૃજ અને તેમના દિકરાએ પહેલા ત્રણ મહિલાઓની હત્યા કરી હશે અને ત્યારબાદ પોતે ફાંસી લગાવી હશે. અલબત મહિલાઓની હત્યા કેવી રીતે થઈ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ અંગે રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.