છત્તીસગઢમાં બેરોજગાર એમ એસ ધોનીએ ટીચરની નોકરી માંગી
રાયપુર: છત્તીસગઢમાં શિક્ષકની નોકરી માટે એક ન માની શકાય એવી અરજી આવી હતી. સાંભળીને આશ્ચર્ય જરૂર થાય કે મહેન્દ્ર સિંહ ધોનીએ રાયગઢ જિલ્લામાં ટીચર માટે અપ્લાઇ કર્યું છે, જેમાં તેને તેના પિતાનું નામ સચિન તેંડુલકર લખાવ્યું છે. નવાઈની વાત એ છે કે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ઈન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ પણ કરાયું હતું.
શુક્રવારે તેમને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા, પરંતુ તેઓ પહોંચ્યા નહીં. એ બાદ અધિકારીઓને લાગ્યું કે કંઈક ગરબડ છે. છેલ્લે આ અરજી નકલી હોવાનું સામે આવ્યું અને આવી અરજી કરનાર અજાણ્યા શખસ વિરુદ્ધ કેસ દાખલ કરવાની તૈયારીઓ થઈ રહી છે.
પ્રશાસને આત્માનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે ૬૩ પદ પર ઓનલાઈન અરજીઓ મગાવી હતી, જેમાં અંગ્રેજી સહિત અનેક વિષયો માટે શિક્ષકોની ભરતી થવાની છે. અરજી કરવાની અંતિમ તારીખ ૨૯ જૂન હતી. અંગ્રેજી વિષયના ૩ પદ માટે ટીચર્સ ઈન્ટરવ્યુ શુક્રવારે થવાના હતા, જેના માટે પ્રશાસને એપ્લિકેશન કરનાર કેન્ડિડેટ્સનાં નામ શોર્ટલિસ્ટ કરીને વેબસાઈટ પર મૂક્યા હતા, જેમાંથી એક અરજદારનું નામ મહેન્દ્ર સિંહ ધોની સામે આવ્યું છે, જ્યારે તેના પિતાનું નામ સચિન તેંડુલકર હોવાનું ખૂલ્યું છે. અરજીમાં ભરાયેલી વિગત મુજબ, ધોનીએ એન્જિનિયરિંગનો અભ્યાસ બીઆઇટી દુર્ગ (સીએસવીટીયુ વિશ્વવિદ્યાલય)થી કર્યો છે અને તે રાયપુરનો રહેવાસી છે.
કેન્ડિડેટ્સનું લિસ્ટ વેબસાઈટ પર મૂકવામાં આવતાં જ આ યાદી વાઇરલ થઈ ગઈ. એ બાદ પ્રશાસનમાં હડકંપ મચી ગયો અને ઈન્ટરવ્યુના દિવસે ધોની નામના અરજદારના નંબર પર ફોન કોલ કરવામાં આવ્યો. જાેકે તે અરજદારનો નંબર બંધ આવ્યો હતો. એવામાં સવાલ ઊઠી રહ્યા છે કે અંતે પ્રશાસન શું કરી રહ્યું હતું કે તેમની આટલી મોટી ચૂક સામે આવી. શુક્રવારે ધોનીના નામના અરજદાર સહિત કુલ ૧૫ લોકોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા હતા.
કાયદાકીય રીતે અરજી આવ્યા બાદ કેન્ડિડેટ્સનો પૂરો ડેટા ચેક કરવામાં આવે છે. એ બાદ જ નામ શોર્ટલિસ્ટ કરી એને વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે, પરંતુ આ સમગ્ર કેસમાં અધિકારી ઊંઘતા ઝડપાયા છે અને જ્યારે કેન્ડિડેટ્સનાં નામની યાદી વાઇરલ થઈ ત્યારે આ સમગ્ર મામલાની જાણ થઈ છે.
આ અંગે ભાસ્કરે જ્યારે સિલેક્શન કમિટીના નોડલ અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સીમા પાત્રે સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે હા, આ પ્રકારની ઘટના સામે આવી છે. અધિકારીઓએ ભોપાળું કર્યા બાદ હવે ધોનીના નામે અરજી કરનાર અજાણ્યા શખસ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે.