છત્તીસગઢમાં માતાએ પાંચ પુત્રી સાથે ટ્રેની સામે ઝંપલાવીને આપઘાત કર્યો
રાંચી: છત્તીસગઢમાં એક આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક મહિલાએ તેની પાંચ પુત્રી સાથે આત્મહત્યા કરી છે. ગુરુવારે પોલીસે જણાવ્યું હતું કે મહાસમુંદ જિલ્લામાં એક મહિલાએ તેની પાંચ પુત્રી સાથે ચાલતી ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી છે. મહિલા અને તેની પુત્રીઓ ગઈરાતથી ગુમ હતી અને ગુરુવારે સવારે તેમની લાશ પાટા પરથી મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે મોટી પુત્રી ૧૭ વર્ષની હતી જ્યારે સૌથી નાની પુત્રી ૧૦ વર્ષની હતી.
મહાસમંડના પોલીસ અધિક્ષક પ્રફુલ્લ ઠાકુરે જણાવ્યું હતું કે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મૃત મહિલા ગઈકાલે રાતથી તેની પુત્રીઓ સાથે ગુમ હતી, પરંતુ તેના પતિએ પોલીસને જાણ કરી ન હતી અને તેમના સંબંધીના ઘરે તેમને શોધી રહ્યા હતા. ગુરુવારે સવારે કોઈએ લાશને ટ્રેક પર જાેઇને પોલીસને જાણ કરી હતી.
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે ખોરાક સાથે જાેડાયેલા કેટલાક મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થયા બાદ મહિલા તેની પુત્રીઓ સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી. તે આત્મહત્યાનો કેસ હોવાનું જણાય છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના અંગેની વધુ વિગતોની રાહ જાેવાઇ રહી છે.