Western Times News

Gujarati News

અખબારમાં યુવક વિષેનો અહેવાલ વાંચીને પ્રેમ થતાં લગ્ન કર્યા

પ્રયાગરાજ,એવું કહેવાય છે કે, જાેડીઓ સ્વર્ગમાં બને છે, પરંતુ ૨૫ વર્ષના રાજુ અને રેશમાની લવસ્ટોરીમાં તો જાેડી બનાવવાનું કામ બીજા કોઈ નહીં, પરંતુ અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલે કર્યું છે. આજથી સાત વર્ષ પહેલા એક અંગ્રેજી અખબારમાં રાજુ સરોજ નામના યુવક પર પ્રસિદ્ધ થયેલા અહેવાલને વાંચીને મુંબઈની રેશમા તેના પ્રેમમાં પડી હતી.

મૂળ યુપીના પ્રતાપગઢ જિલ્લાના રેહુઆ લાલગંજ ગામના રાજુએ તો કલ્પના પણ નહોતી કરી કે અખબારમાં છપાયેલો અહેવાલ માત્ર તેનું આઈઆઈટીમાં ભણવાનું સપનું જ પૂરું નહીં કરે, પરંતુ સાથે જ તેનો મેળાપ તેની જીવનસાથી સાથે પણ કરાવી આપશે. ૨૦ જૂન ૨૦૧૫માં આવેલા અહેવાલથી ના માત્ર રાજુ પરંતુ તેનો ભાઈ પણ આઈઆઈટીમાં એડમિશન લઈ શક્યા હતા.

સુરતમાં રોજમદાર તરીકે કામ કરતા ધર્મરાજ સરોજના બે દીકરા બ્રિજેશ અને રાજુએ જેઈઈની પરીક્ષામાં સારો એવો સ્કોર કરતાં બંનેને આઈઆઈટી પવઈ અને ખડકપુરથી જૂન ૨૦૧૫માં એડમિશન માટે કૉલ આવ્યો હતો. જાેકે, ગરીબ ઘરના આ બે દીકરા ફી ભરી શકે તેમ નહોતા.

એક અખબારે તેમને ફી ભરવામાં પડી રહેલી મુશ્કેલી અંગેના સમાચાર પ્રસિદ્ધ કરતાં જ માત્ર દેશ જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી તેમને મદદ મળી હતી, ફિલ્મ સ્ટાર આમિર ખાને પણ તેમના માટે મદદનો હાથ લંબાવ્યો હતો અને ફીની વ્યવસ્થા થઈ જતાં તેઓ આઈઆઈટી ખડકપુરમાં એડમિશન લઈ શક્યા હતા.

ગરીબ પિતાના સંતાન એવા બંને ભાઈઓના આ સમાચારથી તેમના જેવા ભણવામાં હોશિયાર પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપી હતી. આ સમાચાર મુંબઈની રેશમાએ પણ વાંચ્યા હતા, અને ત્યારથી જ તેના મનમાં રાજુ પ્રત્યે સોફ્ટ કોર્નર સર્જાયો હતો.

જાેકે, એક વર્ષ બાદ છેક ઓગસ્ટ ૨૦૧૬માં રેશમા રાજુને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની હિંમત કરી શકી હતી. રાજુએ તેની રિક્વેસ્ટ સ્વીકારી હતી અને આખરે ચાર મહિના બાદ બંનેની પહેલી મુલાકાત થઈ હતી.

પાંચ વર્ષ બાદ રાજુ અને રેશમાએ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મુંબઈમાં સાત ફેરા લીધા હતા અને બંને બેંગલુરુ સેટલ થયા હતા. ૨૨ મેના રોજ રાજુના પરિવારે તેમના મૂળ વતનમાં રિસેપ્શન રાખ્યું હતું.

રેશમાએ જણાવ્યું હતું કે અખબારના પહેલા પાને સમાચાર આવ્યા બાદ અનેક ન્યૂઝ ચેનલ્સમાં પણ બંને ભાઈઓ ચમક્યા હતા. જાેકે, આટલું બધું મીડિયા અટેન્શન મળતું હોવા છતાંય તેમની સાદગી રેશ્માને ખૂબ જ પસંદ આવી હતી.

તેમાંય રાજુ તો જાણે રેશમાને પહેલી જ નજરમાં ગમી ગયો હતો અને ઘણું વિચાર્યા બાદ આખરે તેણે રાજુને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું નક્કી કર્યું હતું. રેશ્મા એમકોમ બી.એડ સુધી ભણેલી છે, અને હાલ તે બેંગલુરુની એક પ્રાઈવેટ સ્કૂલમાં ઈંગ્લિશ ભણાવે છે.

એક અખબારમાં આવેલા પોતાના સમાચાર અંગે રાજુએ જણાવ્યું હતું કે તેનાથી તેને એવા લોકોની પણ મદદ મળી હતી કે જેમને તે જાણતો પણ નહોતો. તે અહેવાલને કારણે તે એટલો ફેમસ થઈ ગયો હતો કે જાણે સૌ કોઈ તેને ઓળખવા લાગ્યું હતું.

રેશ્મા સાથેની પહેલી મુલાકાત યાદ કરતાં રાજુએ કહ્યું હતું કે, ૨૩ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ તે રેલવે સ્ટેશન પર રેશ્માને મળ્યો હતો. તે પુણે જઈ રહ્યો હતો ત્યારે આ મુલાકાત થઈ હતી. રાજુ જણાવે છે કે તે શરમાળ પ્રકૃતિનો છે જ્યારે રેશમા ખૂબ જ વાચાળ છે. હાલ રાજુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના બેંગલુરુ સ્થિત ઈલેક્ટ્રીક વ્હીકલ સેક્શનમાં કાર્યરત છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.