છાપીમાં પોલીસ પર હુમલાના પ્રયાસમાં ટોળા વિરૂદ્ધ ફરિયાદ
અમદાવાદ: નાગરિક બિલના વિરોધમાં ગઇકાલે બંધના સમર્થનમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર લઘુમતી સમાજના વેપારીઓએ સજ્જડ બંધ પાળી હાઇવે ઉપર મુસ્લિમ સમુદાયના હજારોના ટોળા એકઠા થઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઇવે પર જબરદસ્ત ચક્કાજામ કર્યો હતો. એટલું જ નહી, પોલીસે ચારની અટકાયત કરીને તેમને તાજ હોટલ આગળ પડેલી પોલીસ વાનમાં બેસાડતા તેને ઉથલાવવાનો પ્રયાસ કરવા સાથે વાન ઉપર પથ્થર મારી પાછળનો કાચ ફોડી નાખ્યો હતો.
ત્યારે પોલીસ જીપમાં બેઠલા એક પોલીસ કર્મીએ તોફાન મચાવનારાઓનો વીડિયો શૂટ કર્યો હતો. આ ઘટનામાં જીપ અંદરના વીડિયો પણ સામે આવ્યા છે. પોલીસની જીપને હજારો લોકોના ટોળાએ ઘેરી લઇ તેમની જીપ ઉથલાવવાનો હિચકારો પ્રયાસ કર્યો હતો, જે ઘટનામાં પોલીસે ખૂબ જ ગંભીર નોંધ લઇ પોલીસે આ મામલે ૨૨ના નામજોગ અને ત્રણ હજારના ટોળા સામે એફઆઇઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. છાપી પોલીસમાં સરકાર વતી એલ.પી.રાણા ફરિયાદી બનીને ૨૨ વ્યક્તિઓ સામે નામજોગ અને ત્રણ હજારના ટોળા સામે પોલીસ પર હુમલો, રાયોટિંગ, તોડફોડ , ગુનાહિત કાવતરા સહિતના ચાર્જ લગાવવામાં આવ્યા છે.
આ ફરિયાદમાં જિગ્નેશ મેવાણીના સાથી અમરનાથ જનકુરામ વસાવાને મુખ્ય આરોપી બનાવાયો છે. ફરિયાદને પગલે તમામ આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. છાપીમાં મોટાભાગના આગેવાનો સાથે લગાવાયેલા મોટા ચાર્જને પગલે સન્નાટાનો માહોલ છે. ગઇકાલે વડગામના છાપી હાઇવે ઉપર અશ્ફાક ઉલ્લાખાન અને બીસ્મીલ્લાની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા જાહેરસભા માટે બનાસકાંઠા દલિત સંગઠન, વડગામ વિકાસ સમિતિ તેમજ વડગામ ઠાકોર સેના સંબોધિત માંગણી કરવામાં આવી હતી. જેની મંજૂરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી હતી.