છારોડી સ્થિત ગુરુકુળ ખાતે ‘ શ્રી ધર્મજીવન ગાથા’ ગ્રંથ સમર્પણ કાર્યક્રમ યોજાયો
વૈદિક પરંપરાના ભારતીય જીવન દર્શન અને સંસ્કારનાં વારસાને અપનાવીએ.- રાજ્યપાલશ્રી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું છે કે પ્રાચીનકાળમાં ગુરુકુળમાં વિદ્યાર્થીઓને સંસ્કાર સિંચન અને વિદ્યા ઉન્નતિ સાથે રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવાતા હતા ત્યારે આપણી આ પરંપરાને પુનઃસ્થાપિત કરવા ગુરુકુળ શિક્ષા પદ્ધતિ અનિવાર્ય છે. સંસ્કારવાન લોકો જ રાષ્ટ્રની ધરોહર છે ત્યારે દરેક તાલુકા કક્ષાએ ગુરુકુળ બને તે સમયની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદના છારોડી સ્થિત ગુરુકુળ ખાતે ‘ શ્રી ધર્મજીવન ગાથા’ ગ્રંથ સમર્પણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા ધર્મજીવન સત્ર પ્રસંગે સંબોધતા રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતની લુપ્ત થતી ગુરુકુળ પરંપરાને પ્રસ્થાપિત કરવામાં સ્વામી દયાનંદ સરસ્વતીનો સિંહ ફાળો છે ગુરુકુળ પરંપરાને વ્યાપક બનાવવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
સ્વામી માધવપ્રિયદાસજી લિખિત શાસ્ત્રી શ્રી ધર્મજીવન દાસજીના જીવન ચરિત્ર “શ્રી ધર્મજીવન ગાથા” ગ્રંથનો ઉલ્લેખ કરીએ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આ ધર્મ જીવન ગ્રંથ એ જ સાચું જીવન દર્શન છે. સ્વામી ધર્મજીવનદાસજીએ જે મિશન લઈને પ્રકૃતિની ગોદમાં વિહાર કર્યો અને તેમણે સદવિદ્યાના પ્રવર્તન માટે માત્ર એક રૂપિયાના દરે વિદ્યાદાન આપવાનું અભિયાન ચલાવ્યું એ પરંપરાને સ્વામિનારાયણ સંપ્રદાયે આગળ વધારી છે.
ધરતી પર સંતોનો જન્મ પરોપકાર માટે જ થાય છે, સ્વામી ધર્મજીવનદાસજી પણ એવા જ સંત હતા એમ તેમણે ઉમેર્યું હતું
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે આપણી સંસ્કૃતિ ભૂલ્યા છીએ. લાખો વર્ષ પુરાણો ઈતિહાસ જીવનના પથદર્શન માટે સામર્થ્ય ધરાવે છે.
વેદોમાં જેને અવિદ્યા કહી છે તેવા સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે. આ અવિદ્યાથી મૃત્યુને પાર કરી મનુષ્ય અધ્યાત્મ જ્ઞાન અર્થાત્ વિદ્યાની મદદથી આ ભવસાગરમાંથી મુક્તિ મેળવી શકે છે. વૈદિક પરંપરાના ભારતીય જીવન દર્શન અને સંસ્કારનાં વારસાને અપનાવવા પણ તેમણે હાકલ કરી હતી.
પ્રસિદ્ધ લેખક શ્રી જય વસાવડાએ જણાવ્યું હતું કે શબ્દોથી કંડારાયેલું આ શબ્દ શિલ્પ એ સ્વામી માધવ પ્રિયદાસજીના યુવા કાળના મહત્તમ સમયનો ભોગ આપીને રચાયું છે. આ ગ્રંથ પાછળ સંકલ્પ, સંનિષ્ઠા અને સંનિધિનું બળ છે. શાસ્ત્રીજી મહારાજના સંસ્કાર ચિત્ર જ ગુરુકુળની પરંપરા છે. આ ગુરુકુળની પરંપરામાં ગુરુ જ નિરીક્ષક, ઉદ્દીપક અને સંપાદક છે તેવો ભાવ તાદ્રશ્ય થાય છે એમ તેમણે ઉમેર્યું હતું
Virtually ઉપસ્થિત રહેલા પૂજ્ય ભાઈશ્રી રમેશ ઓઝા એ જણાવ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજના જીવનને અક્ષરદેહ આપી માધવપ્રિયદાસજી એ પુસ્તક રચ્યું છે તે ખૂબ અનુકરણીય તો છે જ પરંતુ માધવપ્રિયદાસજીની ગુરુભક્તિની પરાકાષ્ઠા છે.
સાહિત્યકાર અને લેખક શ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે આ ગ્રંથ એ માત્ર કોઈ વ્યક્તિનું જીવન ચરિત્ર નથી પરંતુ ભારતીય સંસ્કૃતિનું માનસચિત્ર છે. પુસ્તકમાં ‘અરજણ થી અર્જુન’ બનવા સુધીની યાત્રાનું નિરૂપણ સરળ છતાં ઊંડાણપૂર્વક કરાયેલું છે. આ પુસ્તક એ આપણને મળેલું જીવન ભાથુ છે એમ તેમણે ઉમેર્યું હતું.
સ્વામી સચ્ચિદાનંદજી એ ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જે પ્રશ્નો ઉકેલે તે જ ધર્મ અને તે જ સાધના છે ત્યારે ગુરુકુળ પરંપરાએ સમાજમાં પ્રવર્તતા અનેક પ્રશ્નો ઉકેલવામાં સરાહનીય ભૂમિકા ભજવી છે.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે સાહિત્યકારો લેખકોનું સન્માન કરાયું હતું તેમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી માધવ રામાનુજ, ડોક્ટર પંકજ જોષી, શ્રી રમણીક જાપડીયા ઉપરાંત ગુરુકુળની વર્ષો વર્ષની પરંપરાને અનુરૂપ શહીદ પરિવારોના સ્વજનો પૈકી પ્રતીકરૂપે શ્રી સ્વપ્નિલ પ્રજાપતિનું પણ સન્માન કરાયું હતું
આ પ્રસંગે સ્વામી બાલ કૃષ્ણ મહારાજ, તંત્રીશ્રી કુન્દન વ્યાસ અન્ય સંતો મહંતો, ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા