‘છાવા’ ફિલ્મ ૭૦૦ કરોડને પારઃ‘ગદર ૨’નો રેકોર્ડ તોડ્યો

હવે ‘એનિમલ’નો વારો
‘ગદર ૨’ને ડોમેસ્ટિક માર્કેટમાં રૂ.૫૨૫ કરોડની આવક થઈ હતી, રૂપિયા ૫૩૧ કરોડના કલેક્શન સાથે આ રેકોર્ડ તૂટ્યો, હોળીનું વીકેન્ડ દમદાર રહી શકે
મુંબઈ,
વિકી કૌશલની ‘છાવા’એ વર્લ્ડવાઈડ રૂ.૭૦૦ કરોડના કલેક્શનનો આંક વટાવી દીધો છે. મહિના બાદ પણ સફળતાપૂર્વક ચાલી રહેલી આ ફિલ્મ ૨૦૨૫ના વર્ષની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. ‘ગદર ૨’ને ડોમેસ્કિટ બોક્સ ઓફિસ પર રૂ.૫૨૫ કરોડનું કલેક્શન મળ્યું હતું. ‘છાવા’એ ‘ગદર ૨’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. હોળી પર આવી રહેલા લોંગ વીકેન્ડમાં આ ફિલ્મ ફરી પોતાની તેજી પકડે તેવી શક્યતા છે. આ અઠવાડિયું પણ ‘છાવા’ને ફળે તો રણબીર કપૂરની ‘એનિમલ’નો રેકોર્ડ તૂટી શકે છે.
‘એનિમલ’ને ડોમેસ્ટિક માર્કેટમાં ૬૬૨ કરોડનું કલેક્શન મળ્યું હતું. ‘છાવા’એ ત્રીજા અઠવાડિયાના અંતે ડોમેસ્ટિક બોક્સઓફિસમાં ૮૪.૦૫ કરોડની કમાણી કરી હતી.ત્યાર પછીનું વીકેન્ડ ઘણું સફળ રહ્યું હતું અને કમાણીમાં ૯૧ ટકા વધારા સાથે રવિવારે ૧૦.૭૫ કરોડની આવક થઈ હતી. ત્યાર પછી ચાલુ દિવસોમાં ફરી ૪૪ ટકા ઘટાડો થયો હતો અને સોમવારે માત્ર ૬ કરોડની આવક થઈ હતી. મંગળવારે પણ આ ઘટાડો યથાવત રહ્યો અને ફિલ્મે માત્ર ૫.૧૫ કરોડની જ કમાણી કરી. આ બધાં આંકડાઓ સાથે ‘છાવા’એ કુલ૫૩૦.૯૫ કરોડની કમાણી કરી છે. મંગળવારે ફિલ્મે સમગ્ર હિન્દી ફિલ્મ્સના સ્ક્રિનમાં૧૦.૮૪ટકા હાજરી નોંધાવી હતી, જ્યારે તેલુગુ ભાષાની ફિલ્મ સામે ૧૫.૧૨ ટકા હાજરી નોંધાવી હતી.જો આ સોમવાર અને મંગળવારની આવકની વાત કરીએ તો કેટલાંક અહેવાલો મુજબ ‘છાવા’એ સોમવાર સુધીમાં વર્લ્ડ વાઇડ ૭૦૦ કરોડનો આંક પાર કરી લીધો છે.
તેમજ મંગળવારે તે ૭૧૨.૫ કરોડે પહોંચી ગયું છે. અત્યાર સુધી આ મહિના દરમિયાન ઘણી ફિલ્મ રિલીઝ થઈ પરંતુ કોઈ ‘છાવા’ સામેની ટક્કરમાં સફળ રહ્યું નથી. આગળ પણ કોઈ ફિલ્મ એવી નથી દેખાતી, જે વિકી કૌશલ સામે મોટું જોખમ બની શકે. હવે ૧૪ માર્ચે જોહ્ન અબ્રાહમની ‘ડિપ્લોમેટ’ રિલીઝ થઈ રહી છે. પરંતુ આ ફિલ્મનો એવો કોઈ માહોલ કે ચર્ચા નથી કે તે છાવાને હંફાવી શકે. વિકી કૌશલે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેણે છત્રપતિ સંભાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી. ફિલ્મનાં જ એક સીનની તસવીર મુકીને તેણે લખ્યું,“૧૧ માર્ચ ૧૬૮૯ –શંભુ રાજેનો બલિદાન દિવસ.
આજે, છત્રપતિ સંભાજી મહારાજની પુણ્યતિથિ નિમિતે, હું એ યોદ્ધાને નમન કરું છું, જેમણે તાબે થવા કરતાં શહીદી પસંદ કરી, જે અકલ્પ્ય વેદનાઓ અને પીડાઓ સામે ખડા રહ્યા અને પોતાની માન્યતાઓ માટે જીવ્યા અને મર્યા. કેટલાંક પાત્ર હંમેશા તમારી સાથે રહી જતાં હોય છે. છાવામાં છત્રપતિ સંભજી મહારાજનું પાત્ર ભજવવું એ એવાં પાત્રોમાંનું એક હતું. તેમની કથા માત્ર ઇતિહાસ નથી – એ બહાદુરી, બલિદાન અને ક્યારેય નાશ ન પામે તેવો જુસ્સો છે, જે લાખો લોકોને પ્રેરણા આપે છે. જીવતા રહો! જય ભવાની, જય શિવાજી, જય સંભાજી!”છાવા ફિલ્મ લક્ષ્મણ ઉટેકર દ્વારા ડિરેક્ટ તેમજ મેડોક ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમાં વિકી સાથે રશ્મિકા મંદાના, અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને દિવ્યા દત્તા મહત્વના રોલમાં છે. SS1