છુટાછેડા લીધા બાદ પતિએ મહિલાનાં નવા પતિને ઢોર માર માર્યાે
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરેલું હિંસા મહિલાઓ પર અત્યાચાર ગુજારવાની ફરિયાદો વધતાં સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. ગઈકાલે શહેરમાં ઘરેલુ હિંસાની ચારથી વધુ ફરિયાદો નોંધાઈ હતી ત્યારબાદ વધુ એક ફરિયાદમાં મહિલાને પરેશાન કરવા માટે તેના જ પતિને પૂર્વ પતિએ માર મારતાં પોલિસ ચોંકી ઉઠી છે.
છુટાછેડા આપ્યા બાદ પત્નીએ અન્યત્ર લગ્ન કરી લેતાં પતિ આંટાફેરા મારતો હતો. જેનો નવા પતિએ વિરોધ કરતાં બંને ઝઘડ્યા હતાં. જેમાં અગાઊનાં પતિએ લોખંડની પાઈપ વડે હુમલો કરતાં એક વ્યક્તિ લોહીલુહાણ થઈ ગયો હતો. ગોમતીપુરમાં આવેલી ચોકસીની ચાલીમાં રહેતાં સંતોષ પાટીલનાં લગ્ન-લલીતા નામની મહિલા સાથે થયા હતા. જા કે લલીતાબેન તથા સંતોષને મનમેળ ન આવતાં બંનેના કેટલાંક સમય અગાઊ છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ લલિતાબેને મોહનલાલની ચાલી ખાતે રહેતાં વિજયભાઈ સાથે લગ્ન કર્યા હતા. પતિ પત્નિ શાંતિથી રહેતાં હતાં. એ દરમિયાન સંતોષ વારંવાર તેમનાં ઘરની નજીક આંટા મારતો જાવા મળ્યો હતો.
સોમવારે સવારે વિજયભાઈ પોતાની રીક્ષા લઇ ઘર નજીક ઊભાં હતા એ વખતે ફરી સંતોષ ત્યાં આવતાં વિજયભાઈએ તેને પોતાનાં ઘર તરફ આંટા ન મારવા જણાવ્યું હતું. જેથી સંતોષ તેની સાથે ઝઘડી પડ્યો હતો. જાત જાતામાં બંને વચ્ચે છુટા હાથની મારા મારી થતાં સંતોષ ક્યાંકથી લોખંડની પાઈપ લઈ આવ્યો હતો અને વિજયભાઈને માર મારતાં તે લોહીલુહાણ થઈ ગયા હતા.
દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઇ જતાં સંતોષ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. આ અંગે વિજયભાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.